રાજકોટમાં ગાંજામિશ્રિત ચોકલેટના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ પકડાયો
સીઆઈડી ક્રાઈમ દરોડો પાડી 190 કિલો નશાયુકત જથ્થો કબ્જે: એન.ડી.પી. એલ એકટ હેઠળ નોંધાતો ગુનો
રાજયમાં નશીલા પદાર્થના વેચાણ સામે પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવા અંગે રાજયનાં પોલીસ વડા આશિે ભાટીયા દ્વારા અપાયેલી સુચનાને પગલે રાજકોટ સીઆઈડી ક્રાઈમ સ્થાનીક પોલીસને ઉઘતી રાખી કોઠારીયા રોડ પરની તિરૂપતી સોસાયટીમાં દરોડો પાડી પરપ્રાંતીય શખ્સની 190 કિલો ગાંજા મિશ્રિત ચોકલેટ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કોઠારિયા રોડ પર તિરુપતિ સોસાયટી-11માં નશીલી ચોકલેટનું વેચાણ થતું હોવાની સીઆઇડી ક્રાઇમ, રાજકોટને મળેલી માહિતીના આધારે ડીવાય.એસ.પી. આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.જે.ચૌહાણ, મદદનીશ સુભાષભાઇ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. મૂળ બિહારના રાજેન્દ્રપ્રસાદ બિષ્ણુપ્રસાદ ગુપ્તા મળી આવ્યો હતો.
તલાશીમાં મકાનમાંથી શંકાસ્પદ જથ્થો મળ્યો હતો. પૂછપરછમાં તે ગાંજા મિશ્રિત ચોકલેટ હોવાની કબૂલાત આપી હતી. જથ્થાનું વજન કરતા 190 કિલો નશાયુક્ત ચોકલેટ હોવાનું જાણવા મળ્યું હતું. તે છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં રહેતો હોવાનું જણાવ્યું છે.