અપહરણ કરી સગીરાઓને વેંચી મારવાનું ભયંકર કૌભાંડ : કુલ 7ની ધરપકડ
સગીર છોકરીના અપહરણની તપાસ કરી રહેલા અમદાવાદ જિલ્લા પોલીસે એક મોટી માનવ તસ્કરી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે જેણે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછી આઠ સગીર છોકરીઓનું અપહરણ કરીને તેનું વેચાણ કર્યું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કેસના સંબંધમાં છ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એક સગીર છોકરાની અટકાયત કરી છે. અમદાવાદ જિલ્લાની કણભા પોલીસ ગુમ થયેલી 13 વર્ષની બાળકીના કેસની તપાસ કરી રહી હતી ત્યારે આ ઘટસ્ફોટ થયો હતો. આ એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત પોલીસ ગુમ થયેલા બાળકોને શોધી રહી હોવાનો દાવો કરી રહી છે.
અમદાવાદ (ગ્રામ્ય) પોલીસે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક પરિણીત કપલ અને તેમના 16 વર્ષના પુત્રનો સમાવેશ કરતી એક ગેંગ દ્વારા સગીર છોકરીઓનું અપહરણ કર્યા બાદ પુરુષોને વેચી દેવાના ભયંકર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ કથિત રીતે આઠ સગીર છોકરીઓને વેચી છે. જેમાંથી સાતને હજી ટ્રેસ કરવામાં આવી રહી છે. આ ટોળકીએ કથિત રીતે 2 લાખથી 2.5 લાખ રૂપિયામાં છોકરીઓને વેચી દીધી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. મહત્વનું છે કે અમદાવાદ જિલ્લાના કણભા ગામમાંથી 11 મેના રોજ ગુમ થયેલી 13 વર્ષની છોકરીને શોધી કાઢવામાં આવ્યા બાદ આ રેકેટનો પર્દાફાશ થયો હતો.
જ્યારે છોકરીને 13 મેના રોજ ગાંધીનગર નજીકના બોરુ ગામમાંથી બચાવી લેવામાં આવી હતી, ત્યારે આ કેસમાં કથિત મુખ્ય સૂત્રધાર અશોક પટેલ, તેની પત્ની રેણુકા અને તેમના 16 વર્ષીય પુત્ર અને રૂપલ મેકવાન નામના વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી. જે ઓઢવ વિસ્તારના રહેવાસી હતા. પોલીસે તેમના સાથીદારોમાં માણસાની મોતી સેનમા (50), અમરતજી ઠાકોર (70) અને પાલનપુરના ચેહરસિંહ સોલંકી (34)ને ગાંધીનગર જિલ્લાના માણસા નજીકના બોરૂ ગામમાંથી ઝડપી પાડ્યા હતા.
અમદાવાદમાં અગાઉ આવા જ ગુનામાં સંડોવાયેલા અશોક અને રેણુકાએ કણભામાં 13 વર્ષની બાળકી પર નજર નાખીને તેનું અપહરણ કરીને વેચવાનું કાવતરું ઘડ્યું. એટલું જ નહીં, માણસા નજીકના બોરૂ ગામમાં અશોકે તેની પત્નીની હાજરીમાં છોકરી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો.
પરિણીત મેકવાના ઝડપી પૈસા બનાવવા માટે આ ગેંગમાં જોડાઈ હતી. તેઓએ છોકરીના ગામમાં એક બેચલરને શોધી કાઢ્યો અને મેકવાને તેની સાથે ‘લગ્ન’ કરાવ્યા હતા. લગ્નના ચાર દિવસ પછી મેકવાને કહ્યું કે તેણે લગ્ન પછીની વિધિઓ માટે માણસામાં તેના માતાપિતાના ઘરે જવું પડશે. તે 13 વર્ષની છોકરીને તેની સાથે એવું કહીને લઈ ગઈ કે તેના માતા-પિતા તેને ઘણી બધી ગિફ્ટ્સ અને કપડાં આપશે.
મેકવાને છોકરીનો કબજો મેળવ્યા બાદ તેણે તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને છોકરીને માણસા તાલુકાના બોરૂ ગામના એક શખસને સોંપી હતી. છોકરીની ક્યાંય ભાળ ન મળતા આખરે માતા-પિતાએ 12 મેના રોજ પોલીસનો સંપર્ક કર્યો હતો.
અપહરણની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને એલસીબી અને એસઓજીની ટીમે છોકરીની તપાસની સાથે આરોપીઓને પકડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ માટે અલગ અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ અને બાળકીને પણ શોધી કાઢી હતી. હવે આ કેસમાં હજી ગુમ 7 છોકરીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.