પુલવામા જેવો મોટો હુમલો નિષ્ફળ

બિહારથી હથિયાર મંગાવી વિદ્યાર્થીઓ પાસે દિલ્હીમાં હુમલો કરવાનો આતંકીઓનો બદઈરાદો નાકામ

પુલવામા હુમલાની વરસીએ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામા આવી છે. આ સ્થિતિ વચ્ચે સૈન્યના એક મોટા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના હુમલાને નાકામ કરવામાં સફળતા મળી છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી સૈન્યને એક નર્સિંગના વિદ્યાર્થી પાસેથી સાત કિલોનું એક આઇઇડી મેળવ્યું છે. જેનો ઉપયોગ પુલવામા જેવા મોટા હુમલા માટે થવાનો હતો. આતંકી સંગઠનો દેશની રાજધાનીમાં મોટો બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. આતંકીઓની મેલી મુરાદ સફળ થાય તે પૂર્વે જ આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના ડિજીપી દિલબાગસિંઘે કહ્યું છે કે, કાશ્મીરમાં રહેલા આતંકીઓએ બિહારથી હથિયાર મંગાવ્યા હતાં. હુમલા માટે તેઓ કાશ્મીર, પંજાબના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરનાર હતા. ઉપરાંત હથિયારના વેપલા માટે પણ વિદ્યાર્થીઓનો જ ઉપયોગ કરાઇ રહ્યો હતો.

મામલામાં લશ્કર-એ-મુસ્તફાના કમાન્ડર હિદાયતુલ્લાહ મલિક અને ધ રેસિસ્ટન્સ ફ્રન્ટના આતંકી ઝહૂર અહેમદનો હાથ હોવાની શક્યતા સેવાઈ રહી છે જો કે, મલિકની ગત 6ઠી ફેબ્રુઆરીબ રોજ અનંતનાગ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.

આતંકી ચંડીગઢની નર્સિંગનો કોલેજનો વિદ્યાર્થી

આ યુવકની બેગમાં સાત કિલો વિસ્ફોટ હતું, પણ તેને એક્ટિવ નહોતુ કરવામાં આવ્યું તેથી એક મોટો હુમલો ટળી ગયો હતો. આ યુવકનું નામ સુહૈલ બશિર શાહ છે અને તે પુલવામાનો વતની છે. તે જ પુલવામા કે જ્યાં 14મી ફેબુ્રઆરી 2019ના રોજ સીઆરપીએફ પર એક મોટો હુમલો થયો હતો જેમાં 40થી વધુ જવાનો શહીદ થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પુલવામા જેવો જ એક મોટો હુમલો પ આતંકીઓ કરવા માગતા હતા. જે યુવક ઝડપાયો છે તે ચંડીગઢમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. હાલ પંજાબમાં અભ્યાસ કરતા કેટલાક યુવકોનો આતંકીઓ ઉપયોગ કરી રહ્યા છે. ગઇ કાલથી આજ દિન સુધી ચાર આતંકીઓની ધરપકડ કરાઇ છે.

પુલવામા હુમલો નથી ભુલ્યા, કોઇને પણ બક્ષવામાં નહીં આવે : સીઆરપીએફની આતંકીઓને ચેતવણી

અહીંના રઘુનાથ મંદિર, લખદત બજાર અને જમ્મુ રેલવે સ્ટેશન આતંકીઓના ટાર્ગેટ હતા. બીજી તરફ પુલવામા હુમલાની બીજી વરસી દરમિયાન સીઆરપીએફએ કહ્યું છે કે, અમે ના તો માફ કરીશું, ના તો આ હુમલાને ક્યારેય ભુલી શકીશું. અહીંના લેથપુરામાં સીઆરપીએફના કેંપમાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું

હુમલાના કાવતરામાં પાકિસ્તાનની પણ સંદિગ્ધ ભૂમિકા

પકડાયેલા યુવકે પોલીસ તપાસ દરમિયાન કબૂલ્યું છે કે,  તેને પાકિસ્તાન તરફથી એક મોટા વિસ્ફોટનો સંદેશો મળ્યો હતો. હાલ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. જ્યારે સાંબામાંથી પણ 15 નાના આઇઇડી જપ્ત કરવામાં આવ્યા છે.જેને પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી ભારતમાં ઘુસાડવામાં આવ્યા હોવાની શંકા છે.  સોહેલને પાકિસ્તાન દ્વારા ત્રણથી ચાર ટારગેટ આપવામાં આવ્યા હતા, જે બાદ તેને શ્રીનગરની ફ્લાઇટ પકડવાની હતી, જ્યાં અલ બદ્રના એક ઓવર ગ્રાઉંડ વર્કર અતહર શકીલ ખાન તેને રીસિવ કરતો હતો.

સાંબામાંથી 15 આઇઇડી, છ પિસ્તોલ મળી આવ્યા

સૈન્ય અને પોલીસની કાર્યવાહી દરમિયાન ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સાથે સાંબામાંથી પણ 15 આઇઇડી ડિવાઇસ અને પિસ્તોલ જપ્ત કરાયા છે.  જમ્મુ રેંજના આઇજી મુકેશસિંહે કહ્યું હતું કે, સાંબામાંથી  છ પિસ્તોલ અને 15 નાના આઇઇડી ડિવાઇસને ઝડપી પાડવામાં આવ્યા છે. અમને ગુપ્ત માહિતી મળી હોવાથી વધુ એલર્ટ થઇ ગયા હતા, છેલ્લા ચાર દિવસથી પોલીસ પ્રશાસનને સતર્ક કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ શહેરમાં એક મોટો વિસ્ફોટ કરવાનું આતંકીઓએ કાવતરૂ ઘડયું હોવાની જાણકારી અમને મળી હતી. કેટલાક યુવકો વધુ પડતા સક્રિય થઇ ગયા હતા, જેમના પર અમારી નજર હતી. જમ્મુમાં એક જનરલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક યુવક પોતાની બેગ સાથે શંકાસ્પદ સ્થિતિમાં ફરી રહ્યો હતો. જેની તપાસ કરતા મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને પિસ્તોલ વગેરે હિથયારો મળી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.