શિવ સ્ટુડીયોના માલિક સાથે ૨૦ વર્ષ પહેલાં કરેલા કરારનો તેનો પુત્ર ખોટો ઉપયોગ કરી સોશિયલ મિડીયાના માધ્યમથી ખોટા સમાચાર વાયરલ કરાયાનો આક્ષેપ
સૌથી વધુ ગુજરાતી ભજન ગાવાનો રેકર્ડ ધરાવતા હેમંતભાઇ ચૌહાણ શિવ સ્ટુડીયોના માલિક સામે માનહાનીનો દાવો કરશે
જાણીતા ભજનીક હેમંતભાઇ ચૌહાણની કરાર પાલનમાં કસુરવાર ઠર્યા અને ધમકી દેવા અંગે પોલીસે ધરપકડ થયાના સમાચાર વાયરલ થતા તેઓ પત્રકાર પરિષદ યોજી પોતાની કોઇ ગુનામાં ધરપકડ ન થયાનું અને ૨૦ વર્ષ પહેલાં શિવ સ્ટુડીયોના માલિક સાથે થયેલા કરારનો દુર ઉપયોગ કરી પોતાને માનસિક ત્રાસ દેવાનું ષડયંત્ર હોવાનો વળતો આક્ષેપ કરતા કલા રસિકોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાચીન ભજનને આગવી શૈલીમાં ગાવા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં જાણીતા બનેલા હેમંતભાઇ ચૌહાણની ધમકી દેવાના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયાના વાયરલ થયેલા સમાચાર અંગે સ્પષ્ટતા કરવા અને સત્ય ઘટના શુ છે તે અંગેની માહિતી આપવા માટે હેમંતભાઇ ચૌહાણે લક્ષ્મી સોસાયટીમાં પોતાના નિવાસ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું.
શિવ સ્ટુડીયોના માલિક રસિકભાઇ ખખ્ખર અને પોતે સાથે અભ્યાસ કર્યો હોવાથી બચપનના સારા એવા મિત્રો હતા. સાથે ભણ્યા બાદ બંને મિત્રો ૧૯૯૪માં ફરી મળ્યા ત્યારે બંનેએ એક બીજાના કામ કાજ અંગે પુછપરછ કરી ત્યારે હેમંતભાઇ ચૌહાણે પોતે ભજન ગાતા હોવાનું અને રસિકભાઇ ખખ્ખરે તે સમયે ટેપ રેકોર્ડરની ઓડીયો કેસેટનો સ્ટુડીયો ધરાવતા હોવાનું જણાવી પોતાના સ્ટુડીયોમાં ભજન ગાવા માટે આમંત્રણ આપ્યું હતું તેમજ મોટી રકમ કપાશે તેવું પણ જણાવ્યું હતું.
રસિકભાઇ ખખ્ખરે પોતાના શિવ સ્ટુડીયોમાં ગાવા માટે હેમંતભાઇ ચૌહાણ રૂા.૧૦ના સ્ટેમ્પ પેપરમાં લખાણ કર્યુ હતું તેમાં પોતાની જાતે જ હેમંતભાઇ ચૌહાણ શિવ સ્ટુડીયો સિવાય અન્ય કોઇ સ્થળે ભજન નહી ગાય તેવું લખાણ હતું. રસિકભાઇ ખખ્ખર અને હેમંતભાઇ ચૌહાણ વચ્ચે થયેલા કરાર પાલન અંગેનો મુદો હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો ત્યારે અદાલતે પણ હેમંત ચૌહાણને અન્ય સ્થળે ભજન ગાતા કોઇ અટકાવી ન શકે તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. રસિકભાઇ ખખ્ખરે આ રીતે ૧૫૦થી વધુ કલાકારો સાથે કરાર કર્યાનું અને તમામને નોટિસ ફટકારી દબાવતા હોવાનો હેમંતભાઇ ચૌહાણે આક્ષેપ કરી પોતાના મિત્ર રસિકભાઇ ખખ્ખરના મૃત્યુ બાદ તેમનો દિકરો ભાવિન ખખ્ખર આવી મેટર આગળ ચલાવી કલાકારોને હેરાન કરતા હોવાના આક્ષેપ કરી પોતાની કોઇ કેસમાં ધરપકડ ન થયાની સ્પષ્ટતા કરી હતી. સૌથી વધુ ગુજરાતી ભજન ગાવાનો રેકર્ડ ધરાવતા હેમંતભાઇ ચૌહાણે ટી સિરિઝ, સુર મંદિર, જય સાઉન્ડ અને મુંબઇની ટીપ્સ કંપની રાજ ઓડીયોમાં પોતાના દાસી જીવણ, મીરાબાઇ, કબીર સાહેબ અને ગંગાસતી અને નરસિહ મહેતાના પ્રભાતીય સહિત સંતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યા છે. ત્યારે તેમની સામે ખોટી રીતે સમાચાર વાયરલ કરાવનાર ભાવિન ખખ્ખર સામે માનહાનીનો દાવો કરવાનું વિચારી રહ્યા હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
હેમંતભાઇ ચૌહાણનું દિલ્હીની સંગીત નાટય એકેટમી દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે અને પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલના હસ્તે ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓએ ફાન્સ, જર્મની, જાપાન સહિત અનેક વિદેશ યાત્રા કરી ગુજરાતને ગૌરવ અપાવતા ભજનો ગાયા છે ત્યારે તેમને આ રીતે બદનામ કરવાનું ષડયંત્ર ગણી માનહાનીનો દાવો કરવા તજવીજ હાથધરી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.