અબતક,રાજકોટ: મોટામવા સર્વે નંબર 65નો બીનખેતી થયેલો 288 ચોરસ મીટર પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉપલેટા તાલુકાના સાજડીયાળી ગામના વતની અને હાલ નાના મવા મેઇન રોડ પર આવેલા ગોવિંદ પાર્કમાં રહેતા કાંતીભાઇ ભુરાભાઇ પટેલે પોપટપરા પાસે આવેલી રઘુનંદન સોસાયટીમાં રહેતા મિલન ખોડા મકવાણા, દેવભૂમિ દ્વારકા દોલુભા દેવાભા સુમાણીયા, ગોંડલના જીતેન્દ્ર રમેશ ગજેરા, માસ્તર સોસાયટીમાં રહેતા હરસુખ મગન ચૌહાણ અને મૃતક ભુરાભાઇનું ખોટુ નામ ધારણ કરનાર સામે જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચાણ કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાંતીભાઇ પટેલના પિતા ભુરાભાઇ પટેલના નામનો મોટા મવા સર્વે નંબર 65નો બીન ખેતી થયેલો પ્લોટ નંબર 45 હતો. ભુરાભાઇ પટેલનું 2001માં અવસાન થયું હોવા છતાં મૃતકના નામની ખોટી વ્યક્તિ ઉભી કરી તેના નામે સહી કરી બોગસ દસ્તાવેજ બનાવી રાજીબેન દિલીપભાઇ ગોઢાણીયાને 2019માં રૂા.35 લાખમાં વેચાણ દસ્તાવેજ કરી નાખી જમીન કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. એસીપી જે.એસ.ગેડમ સહિતના સ્ટાફે પાંચ શખ્સો સામે જમીન કૌભાંડ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.