- બન્ને મંડળમાં એક મંડળ બન્યા બાદ નવા મંડળનું નામ રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ રખાયું
રાજ્યની અંદાજે 10 હજાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોનું પ્રતિનિધિત્વ કરતાં બે જુદા જુદા સંચાલક મંડળો 16 વર્ષ પછી આખરે ભેગા થઇને એક જ મંડળની રચનાની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી સંચાલકોની ઇચ્છા હતી કે, જુદા જુદા મંડળની જગ્યાએ એક જ મંડળ હોય તો પ્રશ્નોને યોગ્ય રીતે વાચા આપી શકાશે. આમ, વર્ષો પછી સંચાલક મંડળના સભ્યો અંગત મતભેદ ભૂલીને એક મંડળમાં પરિવર્તિત થઇ ગયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓ, તાલુકા કક્ષા અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોના સંચાલકોનું એક જ મંડળ વર્ષોથી કાર્યરત હતુ. જોકે, વર્ષ 2007માં જુદા જુદા કારણોસર એક જ સંચાલક મંડળના બે ભાગ પડી ગયા હતા. જેમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ એમ, બે મંડળ અસ્તિત્વમાં આવ્યા હતા.
છેલ્લા 16 વર્ષથી બન્ને સંચાલક મંડળો સંચાલકો અને શિક્ષકોના એક જ પ્રશ્નોની જુદી જુદી રીતે રજૂઆતો અને ઉકેલની માંગણી કરતાં હતા. સરકાર દ્વારા પણ બન્ને સંચાલક મંડળના પ્રતિનિધિઓને સમાધાન અથવા તો ચર્ચા માટે બોલાવવામાં આવતાં હતા. બે સંચાલક મંડળ હોવાના કારણે અનેક સંચાલકો માટે પણ કયા મંડળમાં જોડાવવું તેની દ્વિધા ઉભી થતી હતી. જેના કારણે કેટલાક સંચાલકો દ્વારા લાંબા સમયથી બન્ને મંડળો ભેગા થઇને પહેલાની જેમ એક જ મંડળ તરીકે કામગીરી કરે તેવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવતી હતી. લાંબા સમયની વાટાઘાટો અને ચર્ચા-વિચારણા બાદ આખરે બન્ને સંચાલક મંડળ ભેગા થઇ ગયા છે.
બન્ને મંડળમાં એક મંડળ બન્યા બાદ નવા મંડળનું નામ રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ એવું રાખવામાં આવ્યું છે. નવા મંડળના પ્રમુખ તરીકે શંકરસિંહ રાણા, અધ્યક્ષ તરીકે મનુભાઇ રાવલ અને ભાસ્કરભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. હવે પછી બે માંથી એક સંચાલક મંડળ તરીકે પ્રસ્થાપિત થયેલા નવા મંડળના નેજા હેઠળ કલાર્ક, પટ્ટાવાળા અને ગ્રંથપાલની ભરતી પ્રક્રિયા પુનઃચાલુ કરવા સહિતના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે.