રાજ્ય સરકારે કુશળ માનવ બળ તૈયાર કરવાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી.
રાજ્ય સરકારે ૨૧મી સદીને અનુરૂપ શ્રમયોગીઓ (કુશળ માનવબળ) તૈયાર કરવા માટેની બ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે. જે મુજબ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૭ બાદ રાજ્યમાં હવે નવા સ્થપાનારા ઉદ્યોગોની માંગ મુજબ કુશળ માનવબળ મળી તે માટેની વ્યવસ્થા ઊભી કરાશે. આગામી સમયમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, ટપક સિંચાઈ, સેકટર અને સિક્યોરીટી જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવાનું આયોજન કર્યું છે.
વિધાનસભા ગૃહમાં શ્રમ રોજગાર વિભાગના બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું હતું કે, સોલાર ક્ષેત્રે કુશળતા ધરાવતા ઉમેદવારોની માંગ ઊભી થઈ છે ત્યારે આઈ.ટી.આઈ.માં સોલાર અને વીન્ડ પાવરના અભ્યાસક્રમો શરુ કરવાનું નક્કી કરાયું છે. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૭માં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અમેરિકાની અલામો કોલેજ સાથે રોજગાર અને તાલીમ ખાતાએ એમઓયુ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના સ્કીલ ઈન્ડિયાના મિશન હેઠળ ગુજરાતમાં કૌશલ્યના વિકાસ યોજનાના અમલ માટે જિલ્લા કલેકટરની સમિતિ બનાવવામાં આવી છે. રાજ્ય કક્ષાએ શ્રમ રોજગારના સચિવની સમિતિ તેનું મોનિટરિંગ કરશે.કુશળ માનવબળ પૂરું પાડવા માટે સ્કીલ મિશન દ્વારા સર્વેની કામગીરી કરવા રુ. ૬.૪૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. દેશમાં સરેરાશ પ્રતિ હજારે ૫૦ યુવાનો બેરોજગાર છે. જ્યારે ગુજરાતમાં તે પ્રમાણ માત્ર ૯નું છે.