8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા ભાવનગર કલેકટર દ્વારા કરાશે !!!
જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઇ શેત્રુંજય મામલે રાજ્ય સરકારે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી દીધી છે. આ ફોર્સમાં ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ટાસ્કફોર્સની અધ્યક્ષતા કરશે. રેન્જ આઈજી, જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો પણ ટાસ્કફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હતાં. ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા રેલીઓ પણ યોજાઈ હતી.
પાલિતાણામાં તોડફોડ કરવામાં આવી હતી. રોહિશાળામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. પગલા ખંડિત કરવા સાથે મંદિરના સીસીટીવી અને પોલમાં પણ તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાથી સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. 26 નવેમ્બરના રોજ પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી હતી. નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચેના વિવાદને લઇ તોડફોડ થઈ હોવું જાણવા મળ્યું હતું.
પાલિતાણા દુનિયાભરના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે પાલિતાણામાં મંદિરો અને દેરાસરના વિવાદ સહિત અનેક વિવાદો છે. જેના ઉકેલ માટે આ ટાસ્ક ફોર્સ કામ કરશે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ટાસ્ક ફોર્સ પાલીતાણાના પ્રશ્ન પર ઉકેલ લાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય પહેલા જ લેવાઇ ચુક્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ સંવેતશીખર મુદ્દે ઝારખંડ સરકારને વિટો વાપરીને કેટલાક આદેશો આપ્યા છે. જેથી હાલ પુરતા જૈનોની મોટા ભાગની માંગણીઓ સંતોષાઇ ચુકી છે.