હાલ કાર્પેટમાં સહકારી મંડળીઓ પાસેથી વસુલાતો ૧૦નો ભારાંક ૪ કરાય તેવી સંભાવના

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી મિલકત વેરામાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હાલ સહકારી મંડળીઓ પાસેથી બેંકની માફક જ ૧૦નો ભારાંક વસુલ કરવામાં આવે છે. કાર્પેટ એરિયામાં અનેક વિસંગતતાઓને ધ્યાનમાં લઈ હવે સહકારી મંડળીઓને પણ ભારાંકમાં રાહત આપવાની વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયમાં તાજેતરમાં એ બાબત આવી હતી કે, શહેરમાં આવેલી અલગ-અલગ સહકારી મંડળી અને ક્રેડીટ સોસાયટીઓને બેંકની કેટેગરીમાં મુકવામાં આવી છે અને કાર્પેટ એરિયામાં બેંક પાસેથી જે રીતે ૧૦નો ભારાંક વસુલવામાં આવે છે તે જ રીતે સહકારી મંડળીઓ પાસેથી પણ આ ભારાંક વસુલવામાં આવે છે. ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે ડીએમસી જાડેજાનું પણ ધ્યાન દોર્યું હતું. બેંકો નફો કરવાના આશ્રય સાથે કાર્ય કરતી હોય છે જયારે સહકારી મંડળીઓ નહીં નફો, નહીં નુકસાનની પ્રણાલી સાથે ચાલતી હોય છે. હાલ ટેકસ બ્રાંચ સહકારી મંડળીઓ પાસેથી વસુલાતો ૧૦નો ભારાંક ૪ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ફાઈલ રજુ કરી દેવામાં આવી છે. ટુંકમાં કાર્પેટમાં જે વિસંગતતા છે તે દુર કરી દેવામાં આવશે અને સહકારી મંડળીને પણ રાહત આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.