કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા નવા કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની કાર્યવાહી હાથ ધરતું તંત્ર : યુનિવર્સિટીના અધ્યાપક ગેસ્ટ હાઉસ અને સમરસ ક્ધયા હોસ્ટેલનું નિરીક્ષણ કરાયું
કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને કલેકટર દ્વારા કોવિડ કેર સેન્ટરની સંખ્યા વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા યુનિવર્સિટીની સ્થળ વિઝીટ લઈને ત્યાં બે જગ્યાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ અધ્યાપક ગેસ્ટ હાઉસ અને સમરસ ક્ધયા હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરી શકાય કે નહીં તે અંગે નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેઓની સાથે પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કુલપતિ નીતિન પેથાણી પણ જોડાયા હતાં.
વધુમાં જિલ્લા કલેકટરે યુ.જી.સી. એચ.આર.ડી.સી ના નિયામક પ્રોફેસર કલાધર આર્ય સાથે વિચાર વિમર્સ કરી એચ.આર.ડી.સી સંચાલિત અધ્યાપક કુટિરની મુલાકાત લઈ લીધી હતી. આ તકે કુલપતિ ડો. નીતિન પેથાણી દ્વારા કોવીડ-૧૯ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારીઓ તથા યુનિવર્સિટીનો ફાળો બન્ને મળીને રૂ.૧૫,૦૦,૦૦૦નો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો.