કોરોનાને લઈ વિદ્યાર્થીઓ માટે વિમો કઢાવવા સિન્ડીકેટની બેઠક બાદ આખરી નિર્ણય લેવામાં આવશે : કુલપતિ.
એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યની સુરક્ષાની માંગ કરવામાં આવી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તા.૨૫મી જુલાઈથી મેડિકલ, પેરામેડિકલ અને પીજીની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ રાજકોટ અને રાજયમાં કોરોનાના કેસનો જાણે રાફડો ફાટયો હોય તેવી પરિસ્થિતિ ઉદભવી છે ત્યારે આજરોજ એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિને મોખીક રજુઆત કરવામાં આવી હતી કે, આવા તમામ પરીક્ષા દેનારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતની જવાબદારી કોની ? પરીક્ષાઓમાં સાવચેતીનાં ભાગરૂ પે સુવિધાઓ આપી શકાશે ? જેને લઈ કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું ઇન્સ્યોરન્સ કાઢવા હાલ વિચારણા ચાલી રહી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપનારા તમામ ૧૩ હજાર વિદ્યાર્થીઓના વિમા કાઢવા માટે આગામી સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.
એનએસયુઆઈનાં રાજકોટ જિલ્લાનાં પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અલગ-અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે તો કયાં વિદ્યાર્થીઓને શું બિમારી હોય તેમ કેમ ખબર પડે ? મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓનું એક પરીક્ષા કેન્દ્રમાં કોવિડ સેન્ટર ફાળવવામાં આવ્યું છે તો એ વિદ્યાર્થીઓને પોતાના સ્વાસ્થ્ય બાબતે ભય છે તો તેઓ પરીક્ષા માનસિક દબાણથી પેપર કઈ રીતે આપી શકે ? જો રાજયસભાની ચુંટણી સમયે એક ઉમેદવાર કોરોના સંક્રમિત બીજા દિવસે બહાર આવે તો શું વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષિત રહેશે ? આ તમામ મુદાઓ સાથે મેડિકલ અને પેરા મેડિકલનાં વિદ્યાર્થીઓ તેમજ એનએસયુઆઈ દ્વારા આજરોજ કુલપતિ અને ઉપકુલપતિને મૌખિક રજુઆત કરી છે અને અમારી સ્પષ્ટપણે માંગણી છે કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેઓનાં સ્વાસ્થ્ય બાબતે યુનિવર્સિટી જવાબદારી લે અન્યથા પરીક્ષાઓ ઓનલાઈન કે બીજી રીતે લેવામાં આવે.
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઈન્સ્યોરન્સ કાઢવા મુદ્દે વિચારણા ચાલી રહી છે જોકે આગામી સિન્ડીકેટની બેઠકમાં આ તમામ ૧૩ હજાર જેટલા વિદ્યાર્થીઓનાં ઈન્સ્યોરન્સ બાબતે ચર્ચા-વિચારણા કરીને આખરી નિર્ણય કરવામાં આવશે. આ સમગ્ર રજુઆતમાં એનએસયુઆઈનાં પ્રમુખ રોહિતસિંહ રાજપુત, સુરજ ડેર, અભિરાજસિંહ તલાટીયા, મોહિત ડવ, પાર્થ બગડા, દેવાંગ પરમાર સહિતનાઓ જોડાયા હતા.