૪૦,૯૭૬ ફોર્મ ઉપડયા જેની સામે પરત આવ્યા માત્ર ૩૩૭૦ ફોર્મ: ૩૧મી જુલાઈ ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ: અનેક પુરાવાઓ માંગ્યા હોવાનાં કારણે લાભાર્થીઓમાં ઉદાસીનતા
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલા ૨૧૭૬ સ્માર્ટ ઘર આવાસ માટે ગત ૧લી જુલાઈથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ૨૫ દિવસમાં ૪૦,૯૭૬ ફોર્મ ઉપડયા છે જેની સામે પરત માત્ર ૩૩૭૦ ફોર્મ જ આવ્યા છે. આગામી ૩૧મી જુલાઈનાં રોજ ફોર્મ વિતરણ અને પરત આપવાની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે આવાસ યોજના નિષ્ફળ જવાની બીકે હવે મહાપાલિકા દ્વારા મુદતમાં વધારો કરવાની પણ વિચારણા શ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકા દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં ૧૦,૦૦૦થી વધુ આવાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૧૭૬ આવાસ બનાવવામાં આવ્યા છે તેનું વિતરણ ગત ૧લી જુલાઈથી શ કરવામાં આવ્યું છે. શરૂઆતનાં બે-ત્રણ દિવસ આવાસ યોજનાનાં ફોર્મ લેવા માટે લોકોનો સારો એવો ધસારો રહ્યો હતો જોકે મહાપાલિકાએ ફોર્મ સાથે અરજદારો પાસેથી ૧૦ જેટલા પુરાવાઓ માંગ્યા હોવાનાં કારણે ફોર્મ ભરીને પરત આવવાની સંખ્યા ખુબ જ ઓછી છે. આજ સુધી કુલ ૪૦,૯૭૬ ફોર્મ ઉપડયા છે જેની સામે પરત માત્ર ૩૩૭૦ ફોર્મ આવ્યા છે. આગામી ૩૧મી જુલાઈનાં રોજ ફોર્મ વિતરણની અને પરત કરવાની અવધી પૂર્ણ થઈ રહી છે ત્યારે મહાપાલિકાનાં શાસકો તથા વહિવટીતંત્ર દ્વારા ફોર્મની મુદત વધારવાની વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.