લોક ડાઉનમાં બહાર ફરવા નીકળેલા, ડબલ સવારી બાઇક પર નીકળવા, દુકાન ખુલ્લી રાખવી અને તમાકુ-સોપારીનું વેચાણ કરવા સહિતના મુદે ગુના નોંધાયા’તા
રાજયમાં ૧.૭૫ લાખ જેટલા જાહેરનામા ભંગના ગુના નોંધાયા’તા: કોરોના વારિયર્સ પર થયેલા હુમલાના કેસ પડતા નહી મુકાય
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કર્યા બાદ જાહેરનામાનો ભંગ કર્યા અંગે રાજયના પોણા બે લાખ કેસ કરવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં કેસનું હીયરીંગ કરવામાં લાંબો સમય થાય તેમ હોવાથી અને કોર્ટનું ભારણ વધે તેમ હોવાથી સરકાર દ્વારા જાહેરનામા ભંગના કરાયેલા કેસની સુનાવણી વિના જ પડતા મુકવા સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે.
કોરોના મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમ એક દિવસ જનતા કફર્યુ લાદવામાં આવ્યા બાદ તા.૨૪ માર્ચથી ચાર તબક્કામાં ૭૦ દિવસ સુધી લોક ડાઉન જાહેર કર્યુ હતું. કોરોનાની મહામારીથી બચવા માટે લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી તેમ છતા કેટલાક શખ્સો બીન જરૂરી કામ વિના લટાર મારવા નીકળનાર સામે પોલીસ દ્વારા જાહેરનામાભંગ અંગેના કેસ કરવામાં આવ્યા હતા.
રાજય ભરમાં પોલીસે કારણ વિના રખડતા, ડબલ સવારી બાઇક પર ફરતા, દુકાન ખુલ્લી રાખવા અને તમાકુ-સોપારીનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસ દ્વારા વિવિધ કલમ હેઠળ ગુના નોંધી કોરોનાને આગળ વધતો અટકાવવા ૧.૭૫ લાખ સામે કડક પગલા લીધા હતા. શહેરને જોડતી ચેક પોસ્ટ ઉભી કરી હતી. વિવિધ વિસ્તારમાં પેટ્રોલ અને ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામા ભંગના કેસ કર્યા હતા.
૭૦ દિવસના ટૂંકા સમયમાં જ પોણા બે લાખ જેટલા જાહેરનામા ભંગ, મહામારી એકટ અને ડીઝાસ્ટર મેનેજમેટ એકટ અંગે કરેલા કેસનો આકડો ઘણો મોટો હોવાથી કાયદાકીય નિયમ મુજબ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તો કોર્ટમાં કેસનું ભારણ વધે તેમ હોવાથી અને સાથે સાથે પોલીસે ચાર્જશીટ તૈયાર કરવા સહિતની કામગીરી વધે તેમ હોવાથી જાહેરનામા ભંગ અંગેના કેસ પડતા મુકવા માટે રાજય સરકાર દ્વારા ગંભીર વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ સતાવાર રીતે જાહેરાત થાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જાહેરનામાનો અમલ કરાવતા પોલીસ સ્ટાફ અને કોરોનાની સારવાર કરતા આરોગ્ય કર્મચારી પર થયેલા હુમલા અંગે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા જે તે સમયે આદેશ આપ્યો હતો અને અનેક માથા ફરેલા શખ્સોને કાયદાનું ભાન કરાવવા પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા. તેઓ સામેના કેસ પડતા મુકવામાં નહી આવે તેમ સુત્રો જણાવી રહ્યા છે.