પીજીની પરીક્ષા મોડી પણ લઈ શકાય: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણીનું શિક્ષણ વિભાગને સૂચન: તમામ
યુનિવર્સિટીના કુલપતિ પાસેથી શિક્ષણ વિભાગે સલાહ સૂચન મંગાવ્યા: અઠવાડિયામાં નિર્ણય આવે તેવી શકયતા
ગુજરાત રાજ્યની યુનિવર્સિટીની પરીક્ષામાં કોરોનાના કારણે અડચણ ઉભી થતાં અંતે કોલેજમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં પરંતુ પ્રોરેટા મુજબ પરિણામ જાહેર કરવાની દિશામાં શિક્ષણ વિભાગ વિચારી રહ્યો છે. આગામી અઠવાડિયામાં આ અંગેનો નિર્ણય જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા જૂનમાં લેવાનો પણ નિર્ણય થઈ શકે છે.
ગુજરાતમાં કોરોનાના કારણે લોક ડાઉન હોવાથી રાજ્યની વિવિધ યુનિવર્સિટીની પરિક્ષાઓ અટવાઈ ગઈ છે, આ ઉપરાંત લોકડાઉન લાંબું ચાલે તેવી દહેશતને ધ્યાનમાં રાખી કોલેજની પરીક્ષાઓનો વિકલ્પ વિચારમાં આવી રહ્યો હતો. જેમાં પરીક્ષા લેવામાં ના આવે તો વિદ્યાર્થીઓને પરિણામ કેવી રીતે આપવા, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીના કુલપતિથી માંડીને શિક્ષણ વિભાગના અધિકારીઓએ મનોમંથન કરી રહ્યા છે. જેમાં એક એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, અંડર ગ્રેજ્યુએટની પરીક્ષા રદ કરીને પ્રોરેટા મુજબ પરીણામ આપવું, જેમાં પહેલા અને બીજા સેમેસ્ટરના પરિણામોના મૂલ્યાંકન કરી ત્રીજા સેમેસ્ટરનું પરિણામ આપવું, આ જ પ્રમાણે જો ચોથા સેમેસ્ટરમાં વિદ્યાર્થી હોય તો પહેલા, બીજા અને ત્રીજા સેમ.ના આધારે ચોથાનું રિઝલ્ટ આપવું. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પરીક્ષા લેવી જરૂરી હોય, તેની પરીક્ષા જૂન મહિનામાં લેવી, કેમકે, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી મહત્વની હોય છે અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોય છે તેથી આ પરીક્ષા જૂન મહિનામાં લઈ શકાય. આ તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી રહી છે જેના આધારે આગામી અઠવાડિયામાં કોલેજ પરીક્ષાનો આખરી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.