શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન અને પોલીસની સંયુકત કવાયત
શહેરની વસ્તી અને વિસ્તાર કુદકેને ભુસકે વધી રહ્યો છે. વાહનોની સંખ્યામાં પણ દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા માથાનાં દુ:ખાવારૂપ બની ગઈ છે. શહેરનાં ૪૮ કલાક મુખ્ય ૧૨ રાજમાર્ગો પર હાલ આડેધડ વાહન પાર્કિંગ અને હંગામી કે કાયમી દબાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. હવે આ રાજમાર્ગો પર એકી-બેકી તારીખે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવાની ગંભીર વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડીથી હોસ્પિટલ ચોક, હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી, હોસ્પિટલ ચોકથી ત્રિકોણબાગ, ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધીનો બીઆરટીએસ રૂટ, કાલાવડ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, રેસકોર્સ રોડ, રૈયા રોડ અને યુનિવર્સિટી રોડ પર નિયત કરાયેલા સ્થળ સિવાય વાહન પાર્કિંગ કરવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલમાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો પાસેથી દંડ વસુલવામાં આવતો હોય વેપારીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. આવામાં હવે શહેરનાં મુખ્ય ૧૨ રાજમાર્ગો પર એકી-બેકી તારીખે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવાની વિચારણા શરૂ કરવામાં આવી છે એટલે કે ૧,૩,૫,૭,૯ એમ એકી સંખ્યામાં આવતી તારીખમાં રોડની એક સાઈડ અને ૨,૪,૬,૮,૧૦ એમ બેકી સંખ્યામાં આવતી તારીખે રોડની બીજી સાઈડ વાહન પાર્કિંગ કરવાનો નિયમ અમલી બનાવવામાં આવશે. હાલ લાખાજીરાજ રોડ, જીમખાના રોડ સહિતનાં રાજમાર્ગો પર આ વ્યવસ્થા ખુબ સારી રીતે ચાલી રહી છે. હવે અન્ય ૧૨ રાજમાર્ગો પર પણ આ વ્યવસ્થા લાગુ કરવાની વિચારણા શરૂ કરાઈ છે.