જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાના બદલે હવે સ્કોલરશીપ આપવાની સરકારની તૈયારી
રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી તારલાઓ માટે રાજ્યભરમાં 400થી વધુ જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યનાં 100 તાલૂકાઓમાં સતત પાંચ વર્ષથી 60 થી લઇ 80 ટકા પરિણામ લાવતી એકપણ શાળા ન મળતા અંતે સરકાર જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાનો પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. હવે ફરી સરકાર આ નિર્ણયમાં થોડો ફેરફાર કરે તેવી સંભાવના જણાય રહી છે. જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાના બદલે હવે આ પ્રોજેક્ટ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં સ્કોલરશીપ જમા કરવામાં આવશે.
ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ તાલૂકાઓમાં 400થી વધુ જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યભરમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના 100 જેટલા તાલુકામાં સતત પાંચ વર્ષથી 60 થી 80 ટકા પરિણામ આવતી હોય એવી એકપણ શાળા ન મળતા જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાનો પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગે સરકાર ફરી પાછીપાની કરે તેવું લાગી રહ્યું છે.
હવે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવશે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં દર વર્ષ રૂા.20,000ની શિષ્યવૃત્તિ જમા કરવામાં આવશે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવશે. નિયમોની પણ ઘોષણા કરવામાં આવશે.