જામનગર જતા હેવી વાહનોને બેડીથી મિતાણા થઈને પડધરી જવું પડશે
માધાપર ચોકડીએ ઓવરબ્રિજના કામના કારણે સતત ટ્રાફિક રહેતો હોય જેને નિવારવા માટે ડાયવર્ઝન આપવા તંત્રએ વિચારણા હાથ ધરી છે. જેમાં માત્ર જામનગર જતા વાહનોને જ ડાયવર્ટ કરવામાં આવનાર છે.
રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા રાજકોટમા જ્યાં કાયમી ટ્રાફિક જામ રહે છે તેવા ધમધમતા દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 70 કરોડના ખર્ચે બનતા 1200 મીટર લંબાઈના આ હાઈલેવલ બ્રિજમાં કૂલ 24 પિયર છે. આ કામના લીધે અહીં દરરોજ ભારે ટ્રાફિક જામ થતો હોય છે. જેને પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે અધિકારીઓએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ હાલ ટ્રાફિક જામ નિવારવા તંત્રએ પ્લાન તૈયાર કર્યો છે.
જેમાં જામનગર જતા હેવી વાહનોને બેડી ચોકડીથી મિતાણા અને પડધરી ડાયવર્ટ કરવાની વિચારણા ચાલી રહી છે.
કામ ધીમું થતા કોન્ટ્રાક્ટને કલેકટરની નોટિસ
માધાપર ચોકડી ખાતે નિર્માણ પામી રહેલા ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોય ચૂંટણી પૂર્વે જ જિલ્લા કલેકટર દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ બાદ હજુ તંત્ર દ્વારા કામગીરી ઉપર નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ કચાશ જણાશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.