મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બીઆરટીએસ રૂટ પરના નાના મવા બસ સ્ટેન્ડ ખાતે બે સિસ્ટમની ટ્રાયલ નિહાળી
રાજકોટ મહાનગરપાલિકાની “રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરમાં ચલાવવામાં આવી રહેલી બી.આર.ટી.એસ. બસ સેવાની છેક રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે. બીઆરટીએસ સેવાનો નાગરિકો દ્વારા લેવાતા લાભ અને મુસાફરોની સંખ્યાની દ્રષ્ટિએ રાજકોટની બીઆરટીએસ દેશમાં અવ્વલ સ્થાને રહી છે. “સેવોત્તમ પ્રોજેક્ટ હેઠળ વધુ ને વધુ ઈ-સેવાઓ તરફ આગળ ધપતી રાજકોટ મહાનગરપાલિકા : પી.આઈ.એસ. (પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ) અને ટિકિટ બારકોડ આધારિત ઓટોમેટિક ડોર ખુલ-બંધ થવાની સિસ્ટમની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનો અમલ ચાલુ કરી દેવામાં આવનાર છે. આજે રાજકોટનાં મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બીઆરટીએસ રૂટ પરના નાના મવા બસ સ્ટેન્ડ ખાતે આ બંને સિસ્ટમની ટ્રાયલ નિહાળી હતી. ઉપરાંત બીઆરટીએસ સેવા સંબંધી અન્ય માહિતી મેળવી વિવિધ બાબતો અંગે સ્થળ પર જ ચર્ચા વિચારણા કરી હતી. આ તકે નાયબ મ્યુનિ. કમિશનર ડી.જે. જાડેજા તેમજ રાજકોટ રાજપથ લિ.ના જી.એમ. જે.ડી.કુકડીયા સહિતના અધિકારીઓ હાજર રહયા હતાં.
આ વિશે વાત કરતા મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, દેશમાં જ્યાં જ્યાં બીઆરટીએસ સેવા ઉપલબ્ધ છે તે શહેરોમાં બસ દીઠ રોજ સરેરાશ ૮૦૦ થી ૧૫૦૦ મુસાફરો મુસાફરી કરે છે, જ્યારે રાજકોટ બીઆરટીએસ સેવાનો રોજ બસ દીઠ સરેરાશ ૨૦૦૦ થી ૨૨૦૦ જેટલા મુસાફરો લાભ લઇ રહયા છે.
મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષમાં જણાવ્યું હતું કે, મે-૨૦૧૯ માસ દરમ્યાન સિટી બસ ૫,૧૦,૬૫૪ કી.મી. ચાલેલ અને કુલ ૭,૩૬,૩૪૮ મુસાફરોએ લાભ લીધો તેમજ બી.આર.ટી.એસ. બસ ૭૬,૬૧૭ કિ.મી. ચાલેલ અને કુલ ૬,૨૭,૭૦૧ મુસાફરોએ લાભ લીધેલ હતો.
બીઆરટીએસ સેવામાં ક્રમશ: ઈ-સેવાઓનો વ્યાપ વધારવા રાજકોટ મહાનગરપાલિકા સતત સક્રિયતાપૂર્વક આગળ ધપી રહી હોવાનું જણાવતા મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ પણ ઉમેર્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ પી.આઈ.એસ. (પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ) અને ટિકિટ બારકોડ આધારિત ઓટોમેટિક ડોર ખુલ-બંધ થવાની સિસ્ટમની અમલ થવા કઈ રહી છે. આ સેવાઓનું સફળ ટ્રાયલ કરવામાં આવી રહયું છે. મહાનગરપાલિકાનાં સેવોત્તમ પ્રોજેક્ટ હેઠળ બીઆરટીએસ સેવાને વધુ ને વધુ અત્યાધુનિક બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં થોડા દિવસોમાં જ બીઆરટીએસ રૂટ પરના તમામ ૧૮ બસ સ્ટોપ ખાતે પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત્ત કરવામાં આવશે. દરેક બસ સ્ટોપ ખાતે ટીવી સ્ક્રીન પર મુસાફરોને બસની આવ-જા અંગેના સમય સહિતની માહિતી ઉપલબ્ધ બનશે. નાના મવા બીઆરટીએસ બસ સ્ટોપ ખાતે પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમની ટ્રાયલ લઇ સેવાની ચકાસણી કરવામાં આવી છે.
મેયર અને કમિશનરે વધુમાં કહ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ બીઆરટીએસ બસ સ્ટોપ પર મુસાફરો ટિકિટની ખરીદી કર્યા બાદ બસ સ્ટોપની અંદર પ્રવેશ કરવા માટેનાં ગેઈટ પર એક મશિન લગાવવામાં આવેલું હશે જેમાં ટિકિટ બારકોડ સ્કેન કરવાથી દરવાજો ખુલી જશે અને મુસાફરી પૂર્ણ કર્યા બાદ જ્યારે બસ સ્ટોપમાંથી બહાર નીકળતી વખતે પણ ટિકિટ બારકોડ સ્કેન કરી દરવાજો ખોલીને જ બહાર નીકળી શકાશે. આ સિસ્ટમની ટ્રાયલ પણ શરૂ કરાઈ છે અને આગામી થોડા દિવસોમાં જ તેનો અમલ શરૂ થઇ જશે.
દરમ્યાન મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ બીઆરટીએસ બસ સેવાને જે નેત્રદીપક સફળતા પ્રાપ્ત થઇ છે તેને નજર સમક્ષ રાખતા રાજકોટ મહાનગરપાલિકા આગામી ભવિષ્યમાં “ડાની હદમાંથી પસાર થતા રિંગ રોડ ઉપર પણ બીઆરટીએસ સેવાનો રૂટ લંબાવવા વિચારણા કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની હદની બહાર પરંતુ રાજકોટનાં પરા જેવા વિવિધ ગામોના લોકોને પણ શહેરમાં આવવા જવા માટે આગામી સમયમાં બીઆરટીએસ સેવાનો લાભ આપવા અંગે વહીવટી તંત્ર વિચારણા કરી રહયું છે.