આગ બુઝાવવા માટેનાં ઓટોમેટિક ફાયર એક્સ્ટિન્ગ્યુશર (ફાયર બોલ)નું મહાપાલિકા ખાતે ડેમોન્સ્ટ્રેશન કરાયું
આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ફાયર બોલનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આગ બુઝાવવાની કામગીરી મોટેભાગે પાણીનો છંટકાવ કરીને થતી હોવાનું સૌ જાણે છે. જોકે વગર પાણીએ આગ ઓલવવા માટે આ ફાયર બોલ ઉપયોગી થઇ શકે છે. મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, મ્યુનિ. શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનીષભાઈ રાડીયા તેમજ નાગરિકોની ઉપસ્થિતિમાં આજે મુંબઈની કંપની “અમર ઇમ્પેક્સ એલએલપીના ડાયરેક્ટર પંકજ ભાયાણી અને હરેશભાઈ અંબાવી દ્વારા મહાનગરપાલિકાની કચેરીના કમ્પાઉન્ડમાં આ ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું જેમાં એક બોક્સમાં આગ લગાવી આ ફાયર બોલ તેમાં નાંખી આગ બુઝાવવામાં આવી હતી. આ ફાયર બોલ આગમાં નાંખતા ફટાકડાનો અવાજ થાય તે પ્રકારે આ ફાયર બોલ આપોઆપ ફાટે છે અને આગ બુઝાઈ જાય છે. આ ફાયર બોલ પાઉડર ક્ધટેન્ટ ધરાવે છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, મ્યુનિ. શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનીષભાઈ રાડીયાર આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આગ લાગવા જેવી ઇમરજન્સી વખતે આ ફાયર બોલ જો ત્યાં આગના સ્થળે હોય તો તે આપોઆપ એક્ટીવ થઇ આગ બુઝાવી નાંખે છે, મતલબ કે, આગ લાગ્યાની ફાયર બ્રિગેડને જાણ થાય અને ફાયર બ્રિગેડના ટેન્કર અને જવાનો સ્થળ પર પહોંચે ત્યાર પહેલા આ ફાયર બોલ આગના સ્થળે હાજર લોકોને કમ સે કમ પોતાનો જીવ બચાવવાની તક પુરી પાડે છે.
ઉપરાંત જે તે સ્થળે રહેલ કામના કાગળો, ફર્નિચર કે અન્ય ચીજ વસ્તુઓ આગમાં ડેમેજ થતી બચી શકે છે. માત્ર વડીલો જ નહી બાળકો પણ આસાનીથી આ ફાયર બોલનો ઉપયોગ કરી શકે છે. ઘર કે ઓફિસ કે કામના અન્ય સ્થળોએ આ ફાયર બોલની ત્યાં હાજરી પણ આગ સામે રક્ષણ આપી શકે છે. એક ફાયર બોલ ૧૦ બાય ૧૦ મીટરનાં રૂમમાં આગ બુઝાવવાની ક્ષમતા ધરાવે છે. રાજકોટ મહાનગરપાલિકા આ ફાયર બોલ ખરીદવાની વિચારણા કરી રહી છે.