મોરબી કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો પાંચમો દિવસ
અબતક, ઋષિ મહેતા, મોરબી
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજિત કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય રમેશભાઈ(ભાઈશ્રી)ઓઝાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના પાંચમાં દિવસની કથામાં બહોળી સંખ્યામાં લોકોએ કથા-શ્રવણનો લાભ લીધો હતો.
શ્રીમદ્દ ભાગવત કથાના પાંચમાં દિવસે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા કથા-શ્રવણ માટે પધારેલ હતા, કથા પ્રારંભ થાય તે પૂર્વે પ્રાસંગિક ઉદબોધન માટે પરષોત્તમભાઈ રૂપાલાએ કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનું આ આયોજન કર્યું તે બદલ કાંતિભાઈ અમૃતીયાને તથા તેમના સ્વયંમ સેવકોને અભિનંદન આપ્યા હતા, તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હમણાં જે દેશી ગૌધનના સંવર્ધન માટે મોટો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગૌવંશનું સંરક્ષણ કરવું અને તેનું સંવર્ધન કરવું એના વિકાસ માટેના પ્રયાસો કરવા જેવી બાબતો પ્રત્યે સમગ્ર લોકોનું ધ્યાન દોર્યું હતું, અને છેલ્લે તેમને કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પથી, અનેક મોક્ષાર્થી આત્મયના કલ્યાણ અર્થે પૂજ્ય ભાઇશ્રીના મુખેથી ભાગવત ગંગા વહે છે ત્યારે આ મોરબીનો નહિ પરંતુ સમગ્ર રાજ્યનો પિતૃ મોક્ષનો કાર્યક્રમ ગણાય
શ્રીમદ્દ ભાગવત કથાના પ્રારંભે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ પછીની વાત આગળ વધારતા કહ્યું શ્રીકૃષ્ણ મથુરા છોડી ગોકુળમાં પધાર્યા કેમ કે ગો એટલે ગાય,ગૌશાળા અને ગૌધન. ગાયોની વચ્ચે રહેવા માટે ગોકુળમાં આવ્યા. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે તમારા હૃદયમાં ભગવાન વસે છે અને મારા હૃદયમાં ગાય વસે છે. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના પાંચમા દિવસમાં પૃથુ ચરિત્રની કથા કરી હતી જેમાં ધર્મ અને જીવનની વાત સમજાવવા માટેની કથા છે, રાજા વેન ઉગ્રદંડ દેનારો તથા નાસ્તિક રાજા હતો તે તેના રાજ્યમાં રાજઆજ્ઞા કરીને ભગવાનને બદલે તેની પૂજા કરવાની જાહેરાત કરી, સમગ્ર રાજ્યમાં કહ્યું કે મારુ જ નામ લેવાનું તેમજ મારા જ નામનો ધર્મ પાળવો તેથી ઋષિ-મુનિ, સાધુ સંતો તેમને સમજાવવા જાય છે અને તેમને રાજા વેનને કહ્યું ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે
જે રાજ્યમાં લોકોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા નહિ રહે તો રાજ્યના કાયદા-કાનૂન, સંવિધાનમાં પણ લોકોને શ્રદ્ધા નહિ રહે તેથી ધર્માચરણ કરો, જે વાત રાજા વેન સમજતો નથી તેથી ઋષિ-મુનિ સંતોએ પ્રજામાં અસ્મિતા જગાડવાનું કામ ચાલુ કર્યું જેના લીધે સત્તા પલટો થવાની તૈયારી થઇ, રાજા વેન મરી ગયો જેના લીધે રાજ્ય રાજા વગરનું થઇ ગયું, જેથી રાજ્યમાં અરાજકતા ફેલાણી જે જોઈ ઋષિમુનિ સાધુ સંતોએ રાજા વેનના શબનું મંથન કરી શરીરમાંથી પાપ, દોષો નીકળી ગયા, ઋષિઓએ રાજા વેનની જમણી ભુજનું મંથન કર્યું તેમાંથી ભગવાન પૃથુરાજાનો જન્મ થયો, ભગવાન પૃથુરાજાએ રાજ્ય વ્યવસ્થા કેવી હોય તે સમજાવ્યું.કથાના પાંચમા દિવસે કથા-શ્રવણ કરવા પધારેલ રાજકીય અને સામાજિક મહાનુભાવોમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા,રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતીભાઈ કવાડીયા, ગોવિંદભાઇ, જયસુખભાઇ, નાનજીભાઈએ ઉપસ્થિત રહ્યા હતા
કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજીત રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથાના પાંચમાં દિવસે પણ બોહળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ નિહાળી હતી.