પર્યાવરણીય સંપદા સ્વચ્છ,સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે
વિશ્વમાં સૌ પ્રથમ પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ ઈસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો.પ્રકૃતિના મહત્વને સ્વીકારતા- વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા હતા.જે આજે શિલાલેખમાં જોવા મળે છે.ત્યાર પછી પાંચમી જૂન 1972 ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસનો પાયો નાખ્યો હતો.ત્યારથી દર વર્ષે પાંચમી જૂનના દિવસને ’વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.પહેલી વાર વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન 1972 ના રોજ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઉજવવામાં આવ્યો હતો.તે સમયે વિશ્વના કુલ 119 દેશોએ ભાગ લીધો હતો.પ્રથમ પર્યાવરણ દિવસ પર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ભારતની પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે તેમની ચિંતા વ્યક્ત કરી હતી.ત્યાર પછી 1974 માં અમેરિકાના સ્પોકેનમાં પ્રથમ વખત ’ઓન્લી વન અર્થ’ થીમ સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. સન 1987માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જુદા જુદા દેશોના યજમાન પદ હેઠળ યોજવાનું નક્કી કરવામાં આવ્યું.જે અન્વયે વર્ષ 2018 માં 4પમા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ ભારત હતો.વર્ષ 2018 ના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીની થીમ beat plastic pollutionએટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો એવી હતી.
દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ અલગ અલગ હોય છે.તેમજ યજમાન દેશ પણ અલગ-અલગ હોય છે.વર્ષ 2019નો યોજમાન દેશ ચીન હતો.તેમજ વર્ષ 2020નો યોજમાન દેશ કોલંબિયા હતો.વર્ષ 2021ના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી માટે યજમાન દેશ પાકિસ્તાન હતો. વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની Ecosystem Restoration એટલે કે ઇકો સિસ્ટમ પુન:સ્થાપના હતો.વર્ષ 2022ના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી માટે યજમાન દેશ સ્વીડન હતો.વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ Only One Earth એટલે કે માત્ર એક જ પૃથ્વી હતી.
જન માનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે તથા લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે છે.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણને સામાન્ય રીતે પર્યાવરણ અથવા પ્રકૃતિ સાથે પૂર્ણ જોડાણ કરવામાં મદદ કરે છે.આપણે બોલીએ છીએ કે કુદરતી પ્રણાલીઓ આપણી સુખાકારીને ખૂબ મદદ કરે છે,પરંતુ આપણે પ્રકૃતિનો ભાગ છીએ અને આપણે તેના પર નિર્ભર છીએ,એ યાદ રાખવું એટલું જ જરૂરી છે.આ દિવસ આપણને આપણા ગ્રહના સંસાધનો અને ઇકોસિસ્ટમને ટકાઉ રીતે સંચાલિત કરવાની જરૂરિયાતને સમજવામાં મદદ કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા રહ્યો છે.આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ.વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે.જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે.વૃક્ષો, જંગલો,નદી-પર્વતો, સાગર,પશુ-પંખી, પ્રાણીઓ, ધરતી-આકાશ અને માનવીનું જીવન- આ સહિયારા અસ્તિત્વની ભાવના છે.
આપણે ધરતીને માતા કહીએ છીએ.આપણું જીવન પ્રકૃતિથી જ છે.પ્રકૃતિ વિના માનવ જીવન અશક્ય છે.આજે વિકાસ અને આધુનિકતાની દોડમાં પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.આપણે પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છીએ.આજે દેશ અને દુનિયાના અનેક શહેરોમાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો છે.તેથી આપણે બધાએ આ તરફ ધ્યાન આપવું જોઈએ.આ માટે વધુને વધુ વૃક્ષો વાવવા પડશે.ગંદકી અને પ્રદૂષણને ફેલાતું અટકાવવું પડશે.
આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે,તેનું ગૌરવ અનુભવીએ છીએ.તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહ ફાળો છે.દેશનો લાંબામાં લાંબો દરિયા કાંઠો ધરાવતા રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની બાબતે વિચારીશું તો જોઈ શકાય છે કે લાંબા દરિયા કાંઠાના કારણે જ રાજ્યના દરિયા કાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે.ખારો રણપ્રદેશ, ઘાસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારોએ ઊભા કરેલા વિવિધ પરિસર તંત્રો રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે.ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતો મહી અને તાપી જેવી નદીઓના કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કઈ નાનો સુનો નથી.નર્મદાના જળ થકી જ આજે ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.
દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક દેશવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે.જેને ’મિસ્ટી મિશન’એવું નામ આપવામાં આવ્યું છે.મેન્ગ્રુવ ઇનિશિએટીવ ફોર શોરલાઈન હેબિટેટ્સ ઍન્ડ ટેન્જિબલ ઈન્કમ્સ. Mangrove initiative for shoreline habitats and tangible incomes. (MISHTI).આ મિશન અંતર્ગત દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવવા માટે અને દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવામાં મદદરૂપ થાય એટલા માટે તેમજ પક્ષીઓને રહેઠાણ મળે અને દરિયાઈ પવનોને અટકાવવાનાં હેતુથી ગુજરાતના 11 જિલ્લાઓની અંદાજિત 2પ સાઈટ ઉપર ચેર (mangrove)ના વૃક્ષો વાવવાનું એક અભિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે.કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયા કાંઠો ધરાવતું રાજ્ય હોઈ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું.
તદુપરાંત કર્કવૃત આપણા રાજ્યમાંથી પસાર થતો હોઈ સૌર ઊર્જા વિપુલ માત્રામાં પ્રાપ્ત થઈ શકે તેમ છે,આ સૌર ઊર્જાના મોટામાં મોટા સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વીજળી પ્રાપ્ત કરવાના લક્ષને આપણે પ્રાથમિકતા આપી છે.પુન:પ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18,764.40 મેગાવોટ સાથે દેશમાં ગુજરાત મોખરે છે.ગુજરાતમાં વર્ષ 2030 સુધીમાં ઊર્જાની જરૂરિયાત માટે સ્થાપિત ક્ષમતા પૈકી પ0% સ્થાપિત ક્ષમતા પુન:પ્રાપ્ય ઊર્જા મારફત પૂર્ણ કરવાની ધારણા રાજ્ય સરકાર રાખે છે.રાજ્ય સરકારે પુન:પ્રાપ્ય ઊર્જાને પ્રાધાન્ય આપીને સમયબદ્ધ આયોજન કર્યું છે.જેને પરિણામે રાજ્યની પુન:પ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતા 18,762.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે છે.
દેશની સરખામણીએ 1પ.3 ટકા જેટલી છે.રાજ્યની પુન:પ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતાની ટકાવારી પૈકી પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા પ2 ટકા અને સૌર ઊર્જા 46 ટકા જેટલી ક્ષમતા રાજ્યમાં છે.ગુજરાત સોલાર એનર્જી હબ બનવાની દિશામાં અગ્રેસર રહેલ છે.પ્રદૂષણ મુક્ત ઊર્જા મેળવવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ.પરંતુ વધારેમાં વધારે પ્રયત્ન કરી,વિશ્વમાં ગુજરાત નંબર વન બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય.લાકડાનો બાંધકામ અને ફર્નિચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાંના કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે આ માટે ’વધુ વૃક્ષો વાવો’ની ઝુંબેશ અનિવાર્ય છે.
પ્રદૂષણ અટકાવવામાં એક મનુષ્ય તરીકે જે જાગૃતિ દાખવવાની હોય છે,એમાં પણ આપણે ઉણાં ઉતર્યા છીએ.પ્લાસ્ટિક ફ્રી ઝુંબેશના ભાગ રૂપે ઘણી વખત તંત્ર દ્વારા ડ્રાઇવ કરવામાં આવે છે.પરંતુ થોડા દિવસ માટે પાલન કરીને ફરી પાછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા થઈ જઈએ છીએ.આજે ટન બંધ પ્લાસ્ટિકનો કચરો રોડ ઉપર જોવા મળે છે.પ્રધાનમંત્રી મોદી સાહેબે ’સ્વચ્છ ભારત’નું સૂત્ર આપીને જબરજસ્ત ઝૂંબેશ ચલાવેલી.લોકોમાં થોડી ઘણી જાગૃતિ પણ આવેલી,પરંતુ અપેક્ષા મુજબ આ મિશન આપણે પૂરું કરી શક્યા નથી.આ સિવાય ધુમાડાનું પ્રદૂષણ,બિનજરૂરી અવાજનું પ્રદૂષણ પણ પર્યાવરણને નુકસાન કરે છે.આ પ્રદુષણ થતું અટકાવવું એ મનુષ્યના હાથની વાત છે,તેમ છતાં આ બાબતે પણ ભયંકર બેદરકારી જોવા મળે છે.જ્યાં સુધી લોકો પોતાની જાતે નહીં સમજે,ત્યાં સુધી કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાઓ કે પછી સરકારી તંત્રના પ્રયાસો વામણા સાબિત થવાના !
“ભગવાનનો આભાર માનો કે મનુષ્ય ઉડી શકતો નથી,નહીં તો તેણે આકાશ અને પૃથ્વી બંનેને બરબાદ કરી દીધાં હોત.” – હેનરી ડેવિડ થોરો