મલિક અને તેના પુત્રે શાહવાલ ખાન પાસેથી રૂ.300 કરોડની મિલકત એકદમ નીચી કિંમતે ખરીદ કર્યાનો આક્ષેપ
અબતક, નવી દિલ્હી
એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ અંગેની રાજકીય લડાઈ તીવ્ર બની રહી હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મહારાષ્ટ્રના મંત્રીને 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના ગુનેગાર સરદાર શાહવાલી ખાન સાથે જોડવા માટેના દસ્તાવેજ પર આધાર રાખે છે.
મળતી માહિતી મુજબ મુંબઇ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી શાહવાલ ખાન સાથે ખંડણી કે અન્ય કોઈ ગુન્હામાં નવાબ મલિકની કોઈ ભૂમિકા સામે આવી નથી પરંતુ નવાબ મલિક અને તેના પુત્ર ફરાઝએ મુંબઈની કુરલા ખાતેની આશરે રૂ. 300 કરોડની મિલકત શાહવાલ પાસેથી એકદમ નીચી કિંમતે ખરીદ કરી હતી. આ દસ્તાવેજ શાહવાલ અને મલિકની પારિવારિક પેઢી સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લી. વચ્ચે થયેલો છે.
મલિકના પુત્ર ફરાઝે સોલિડસ વતી તેના ક્ધવીનર તરીકે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. આજીવન કેદની સજા ભોગવી રહેલા ખાને પણ ઇડી પાસે નોંધાવેલા નિવેદનમાં આ સોદાને પ્રમાણિત કર્યું હતું.
મલિકના બચાવ પક્ષે વકીલે મલિક અને ખાન વચ્ચેના સંબંધોના ઇડીના આરોપનો વિરોધ કરીને દલીલ કરી છે કે મંત્રી છેતરપિંડીનો ભોગ બન્યા છે. વકીલે દલીલ કરી છે કે, મુનિરા પ્લમ્બર નામની વ્યક્તિની સંપત્તિનો માલિક બનીને ખાને આ સંપત્તિનું વેચાણ કર્યું હતું.