તમે જો સારી વાતનો સ્વીકાર નહીં કરશો તો જીવનમાં ખરાબી ઘોચીયા વિના નહીં રહે. સાચા અને સારાના સ્વીકાર કરતા શીખો, સુખનો માર્ગ શરીરને સુખ કરવાનો છે. જ્યારે હિતનો માર્ગ આત્માને ખુશ રાખવાનો છે તેમ ગઈકાલે ગિરનારની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવાન ખાતે જેનાચાર્ય પદ્મદર્શનવિજયજી મહારાજે શ્રાવકોને જણાવ્યું હતું.
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જેનાચાર્ય હેમવલ્લભસુરીજી મહારાજ અને પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયેલ ધર્મ સભામાં જેનાચાર્ય પદ્મદર્શન વિજયજી મહારાજે શ્રાવકોને શિખ આપી હતી કે, જીવનમાં બધે જ ભૂલો કરવાનો આપણી પાસે સમય નથી. કારણ કે જીવન આપણું ટૂંકું છે, બીજાના અનુભવ ઉપરથી બોધપાઠ લેતા રહેવું તે જ રસ્તો છે.
જીવનમાં જે ઘટનાઓ બને તેનો સ્વીકાર કરતા શીખો, સુખની બલિદાન દેવાની તૈયારી રાખીને હિતની વાતો પ્રસન્નતાપૂર્વક સાંભળો. હિતની વાતો સ્વીકારી લેવા મનને મારવું પડે તો મારીને કે સુખનું બલિદાન દઈને પણ હિતની વાતો પર મોઢું બગાડીને તમારા ભાવીને અંધકારમય તો ન જ બનાવશો.જેનાચાર્ય પદ્મદર્શનવિજયજી મહારાજે આ ધર્મ સભામાં વધુમાં જણાવ્યું હતું કે, તીર્થયાત્રા પરિભ્રમણ યાત્રાને પૂર્ણવિરામ આપવા માટે છે. સંસાર યાત્રામાં ડગલેને પગલે સંઘર્ષ અને યાત્રા અવિરતપણે ચાલ્યા કરતી હોય છે. જ્યાં સુધી તમે તમારું મન પરમાત્માને શોભતા નથી, ત્યાં સુધી જીવનમાં ચડાવ અને ઉતાર આવતા હોય છે. પ્રભુ સાથે તમારું જોડાણ થઈ જાય એટલે સંસારમાં આવતી સમસ્યાઓ શાંત થઈ જાય છે.