કોંગી અગ્રણીઓએ સાયકલ સાથે નીકળી બેનરો લગાવી આપ્યો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ: ૧૪ની અટકાયત
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનાં ભાવો ઘટી રહ્યા છે બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પણ બે દિવસ પૂર્વે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલનાં ભાવ સામે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડવાઈઝ વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં નેતાઓ સાયકલ લઈને નીકળ્યા હતા અને સાયકલની આગળ ભાજપ તેરે અચ્છે દિન, પ્રજા તેરે બુરે દિન જેવા બેનરો લગાવી આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત સહિત ૧૪ લોકોની અટકાયત કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સુચના બાદ આજે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો અને આગેવાનોએ ધરણા કાર્યક્રમ યોજયા હતા જયારે ઈન્દિરા સર્કલ ખાતે એનએસયુઆઈનાં કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલનાં ભાવનાં વધારામાં વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાનાં અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, દિનેશ ચોવટીયા સહિતનાં કોંગી અગ્રણીઓ આજે સાયકલ લઈને નિકળ્યા હતા અને ઈંધણનાં ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો જોકે તેઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી હતી.
હાલ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ભાજપ સરકાર દ્વારા રોજેરોજ ભાવ વધારો ઝીંકી રહી છે અને કોરોના મહામારીના સમયે ભાજપ સરકારે પ્રજાને મોંઘવારીનો અસહ્ય બોજો નાખ્યો છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા સાઈકલ પર નીકળી ઠેર-ઠેરસંદેશો પહોંચાડવા પ્રસ્થાન કરે તે પૂર્વે રાજકોટ પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી છે આ ઉપરથી એ સ્પષ્ટ શાબિત થાય છે કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે આ ભાજપની ભારત સરકારે બંધારણમાં આપેલા લોકશાહીના હક્કો ઉપર તરાપ મારી રહી છે અને વિરોધપક્ષ અને પ્રજાનો અવાજ દબાવી દેવા પ્રયાસો કરી રહી છે આ ગુજરાતમાં અને ભારત દેશમાં ભાજપ સરકાર આવી ત્યારથી કોરીયા જેવી તાનાશાહી પ્રજા ઉપર અને વિરોધપક્ષ ઉપર કરી રહી છે તેમજ લોકશાહી ખત્મ કરવામાં પ્રયાસો કરાઈ રહ્યા છે જયારે કોંગ્રેસના આગેવાનો સાઈકલ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને મોંધવારી સામે વિરોધ પ્રદર્શ કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, રાજકોટ મનપાના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, મુકેશભાઈ ચાવડા, ડો.દિનેશભાઈ ચોવટિયા, સુરેશભાઈ બથવાર, વિગેરે રાજકોટ શહેરના ૧ થી ૧૮ વોર્ડ વાઈઝ ધરણા યોજવામાં આવેલ હતા જેમાં કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તેમજ આગેવાનો દ્વારા રાજકોટ શહેરમાં તમામ જગ્યાએ ધરણા કરેલ હતા આ સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલ છે છતાં સાઈકલ સવાર ૧૪ આગેવાનોની પોલીસ દ્વારા જબરદસ્તી કરીને ધરપકડ કરી હતી.