ભાજપની વિકાસની રાજનીતિ સામે ભયભીત કોંગ્રેસ ગુજરાતના મતદારોને ભોળવવા હવાતિયાં મારે છે

રાહુલ ગાંધી ભૂતકાળમાં કેટલાં હિન્દુ ધર્મસ્થાનોની મુલાકાતે ગયા ? ગુજરાતમાં ચૂંટણી આવી એટલે મંદિરો યાદ આવ્યાં ?

ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈ આજ સુધી કાર્યકરોથી માંડી ટોપ મોસ્ટ નેતાઓએ ધર્મકારણ પર રાજકારણ ખેલ્યું નથી પણ દરેક ધર્મ, જ્ઞાતિ-સમાજના ઉત્થાનની વાત કરી છે અને તેમની રાજનીતિ સ્પષ્ટ વિચારધારા સાથે શ‚ થઈ છે જે આજે સફળતાના શિખરે પહોંચી છે. દેશમાં આઝાદી આવી ત્યારથી માંડી આજ સુધી એક વિચારધારા સાથે વળગી રહીને હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ તમામ ધર્મના લોકોનો વિકાસ થાય તેવા પ્રયત્ન કર્યા છે. ભારતીય જનતા પાર્ટીને તમામ ધર્મના લોકોનો સંપૂર્ણ સાથ મળ્યો છે એટલે જ કેન્દ્રમાં ૨૦૧૪થી નરેન્દ્ર મોદી સરકાર મજબુત રીતે ચાલી રહી છે પણ કોંગ્રેસની નેતાગીરીને હવે એવું લાગવા માંડયું છે કે હિન્દુત્વનો મુદ્દો હાથમાં લેવાથી સત્તામાં ફરી વખત આવી શકાય છે ! કદાચ એટલે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્રચાર માટે ગુજરાત આવતા રાહુલ ગાંધી અચાનક જ હિંદુ ધર્મસ્થાનોની મુલાકાત લેવા લાગ્યા છે. કાગડો હંસની ચાલ ચાલવાનું શીખી રહ્યો છે પણ કાગડાને એ ખબર નહીં હોય કે હંસની ચાલ આવડશે નહીં અને પોતાની મૂળ ચાલ એ ભૂલી જશે !

ગુજરાતમાં ભાજપની સરકાર ૨૨ વર્ષથી ટનાટન ચાલી રહી છે. એમાય ૧૫ વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતનું નેતૃત્વ સંભાળ્યું ત્યારપછી વિકાસનો મંત્ર ગુંજવા લાગ્યો. તેઓ ગુજરાતમાં રહ્યા ત્યાં સુધી વિકાસનો દૌર આગળ ધપાવતા ગયા. તેમના પછી આનંદીબેન પટેલ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન વિજયભાઈ ‚પાણીની સરકારે નરેન્દ્રભાઈના વિકાસ રથને ગતિમાન બનાવ્યો.

ભાજપ વિકાસને મહત્વનો મુદ્દો ગણીને આગળ વધી રહ્યો છે પણ કોંગ્રેસના નેતાઓએ એમ માની લીધું કે ભાજપને ગુજરાત અને કેન્દ્રમાં સતા મળી છે તેની પાછળ હિન્દુત્વ જવાબદાર છે. વાસ્તવમાં વર્ષો સુધી જેણે જ્ઞાતિ-જાતીના ભેદભાવ રખાવીને રાજકારણ ખેલ્યું છે એવા કોંગ્રેસીઓને ભાજપની સફળતામાં વિકાસનો મુદ્દો છે એ ન દેખાયું અને હિન્દુત્વ દેખાયું ! માત્ર હિન્દુત્વને આગળ કરીને ભાજપ સફળ થાય છે એવી ગેરમાન્યતાને કારણે કોંગ્રેસે કારણ વિના હિન્દુત્વના મુદ્દાને પોતાના ચૂંટણી પ્રચાર સાથે જોડવાનો પ્રયાસ કર્યો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી તા.૯ અને ૧૪ ડિસેમ્બરે યોજાવાની છે ત્યારે છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં આંટાફેરા કરતા કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને કોઈકે એવું મનમાં ઠસાવી દીધુ કે ગુજરાતના મહત્વના હિન્દુ ધર્મ સ્થાનોમાં માથુ ટેકવવાથી હિંદુ મતદારો કોંગ્રેસ તરફ આકર્ષાશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની જશે. કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના જેવા ઘાટ સાથે રાહુલ ગાંધીએ જાણે કે આ સલાહ માની લીધી હોય એમ ધડાધડ હિન્દુ ધર્મસ્થાનોની મુલાકાત લેવાનું શ‚ કરી દીધું અને કોંગ્રેસ હિંદુઓની હામી હોય એવો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો.

ભાજપના વિકાસના મુદ્દા સામે ઉણી ઉતરેલી કોંગ્રેસે છેલ્લા બે મહિનામાં સોફટ હિન્દુત્વ ધારણ કર્યું હોય એના પુરાવા નજર સામે આવ્યા છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ દ્વારકાથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો ત્યારે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ કાળીયા ઠાકરને શીશ નમાવ્યુ હતું એ પછી ચોટીલાનો ડુંગર ચડીને ચામુંડા માતાના દર્શન કર્યા એ પછી અંબાજી, શબરી મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિર અને હમણા જ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ બહુમતી એવા હિંદુ સમાજના મત અંકે કરવા પ્રયાસ શ‚ કરી દીધા.

ગુજરાતની જનતા ખુબ શાણી છે તે સમજે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ રાહુલ ગાંધીને હિંદુ માથુ નમાવવાની શ્રદ્ધા કેવી રીતે જાગી ? ભૂતકાળમાં અનેક વખત ગુજરાત અને દેશના અસંખ્ય મોટા શહેરોમાં તેઓ ગયા ત્યારે કેટલી વખત હિંદુ ધર્મ સ્થાનોની મુલાકાત લીધી ? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓએ તો એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી દિલ્હીમાં જયાં રહે છે એના ઘરથી કેટલાય હિન્દુ ધર્મસ્થાનો સાવ નજીક છે તો રાહુલે આટલી જિંદગીમાં કેટલા ધર્મસ્થાનોની મુલાકાત લઈને દેવદર્શન કર્યા ?

કોંગ્રેસ પાસે ભાજપને બીટ કરવાના કોઈ નક્કર મુદ્દા ન મળતા સોફટ હિન્દુત્વનો આધાર લઈને મત લેવા નિકળ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે એમ મહિનો બે મહિના પોતાના સ્વાર્થ ખાતર હિન્દુત્વ અપનાવી લેવાથી ગુજરાતના મતદારો ભોળવાઈ જતા નથી અને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે એટલા નાસમજ નથી. મતદારોએ નરેન્દ્ર મોદી અને વિજયભાઈ ‚પાણીની સરકારોની કામગીરી નજીકથી નિહાળી છે અને પોતાનો વિકાસ કોના દ્વારા થઈ શકે તેમ છે તે મતદારો બરાબર જાણે છે એટલે કોંગ્રેસ ફાફા મારવા સિવાય બીજુ કોઈ કામ કરતી ન હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને વિકાસના એજન્ડામાંથી ધડો લઈને પોતાના વિચારો ગુજરાતની પ્રજા સમક્ષ મુકવા જોઈએ તો કદાચ આવતા દિવસોમાં તેમનું ભલુ થાય બાકી હંસની ચાલ ચાલવા જતા કાગડો પોતાની ચાલ ભૂલી જાય એવી સ્થિતિ અત્યારે કોંગ્રેસની થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.