મંજૂરી વિના કોંગ્રેસના નેતાઓ ધરણાં પર બેસતા પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો
યુપીના હાથરસમાં બનેલી ગેંગરેપ અને યુવતીની હત્યાની ઘટનાથી દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.આજે રાજકોટ શહેર કોંગેસ સમિતિ દ્રારા આ ઘટનાના વિરોધમાં ત્રિકોણ બાગ ખાતે મૌન સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો હતો.દરમિયાન કાર્યક્રમ માટે મંજુરી આપવામાં આવી ન હોવા છતાં ધરણાં પર બેઠેલા કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ ,પ્રદેશ અગ્રણી સહિત ૬૩ જેટલા નેતા અને કાર્યકરોની પોલિસે અટકાયત કરી લીધી હતી.
ઉતરપ્રદેશમાં હાથરસમાં વાલ્મીકી સમાજની દલિત યુવતીના બળાત્કાર અને હત્યાની તાજેતરમાં બનેલી ઘટનાએ દેશના આત્માને હચમચાવી નાખ્યો છે. યોગી આદિત્યનાથની સરકારના બેશરમ કૃત્યોથી દેશભરની પ્રજા દ્રવી ઉઠી છે. ઉતરપ્રદેશ પોલીસે કોંગેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ગેરવર્તુણક તથા તેમની અને પ્રિયંકા વાડ્રાની ધરપકડ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર બેરહમીથી લાઠી ચાર્જના તદન ગેરકાયદેસર પગલા સામે દેશભરમાં આક્રોશ સર્જાયો છે. ત્યારે આ સદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતે મૌન સત્યાગ્રહ કરવામાં આવ્યો તેમાં પ્રદેશના આગેવાનો, શહેરના આગેવાનો, તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલ ના ચેરમેનો અને હોદેદારો, કાર્યકરો ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં મૌન સત્યાગ્રહ માં જોડાયા હતા.જો કે આ કાર્યક્રમ પોલીસ ની મંજુરી વિના યોજવામાં આવ્યો હોય પોલિસે કાયદાનો દંડો ઉગામતા ૬૩ જેટલા કોંગી નેતા અને કાર્યકરની અટકાયત કરી લીધી હતી