કોંગ્રેસના વિપક્ષના નેતા હમણા સુધી એવું કહેતા કે વાઘજીભાઇ કોંગ્રેસમાં નથો તો હવે વાઘજીભાઇ બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાનું શા માટે જાહેર કર્યું ? વાઘાણીનો સવાલ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી આપેલ રાજીનામા બાબતે જણાવ્યુ હતુ કે, મગફળીકાંડ દ્વારા ફરી એક વખત કોંગ્રેસનો કૌભાંડી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પડ્યો છે. કોંગ્રેસના વિપક્ષના નેતા હમણા સુધી એવું કહેતા કે વાઘજીભાઇ કોંગ્રેસમાં નથી.
તો હવે વાઘજીભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાનું શા માટે જાહેર કર્યું ? વાઘજીભાઇ બોડા ત્રણ-ત્રણ વખત કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને ગઇકાલ સુધી તેઓ કોંગ્રેસના આગેવાન અને સભ્ય હતા અને જેની ધરપકડ થઇ છે
તે રોહિત બોડા તેનો ભત્રીજો છે. તેજ રીતે જેની ધરપકડ થઇ છે તે મગન ઝાલાવાડીયા પણ કોંગ્રેસનો આગેવાન છે અને પડધરી તાલુકા પંચાયતનો કોંગ્રેસ તરફી પ્રમુખ પણ રહી ચૂક્યો છે. આમ, આ મગફળીકાંડનો રેલો કોંગ્રેસના જ નેતાઓ સુધી પહોચવાનો હોય તેથી પ્રજાની આંખમાં ધૂળ નાંખવા અને કોંગ્રેસના નેતાઓને બચાવવા માટે વિપક્ષના નેતાએ ઉ૫વાસ કરવાનું તરકટ કર્યુ હતુ.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કૃષિમંત્રીશ્રી ફળદુ શરૂઆતી જ મગફળી બાબતે તપાસના આદેશો આપેલા હતા અને નાફેડના ચેરમેનને પણ પોલીસ ફરીયાદ કરવા માટે રાજ્ય સરકારે અનેકવાર કહ્યું હોવા છતાં નાફેડ દ્વારા કોઇ પગલા લેવાયા નહી.
મગફળી ખરીદીની આખી પ્રક્રિયામાં નોડલ એજન્સી તરીકે મુખ્ય જવાબદારી નાફેડની હતી. મગફળીની ખરીદી, પૈસાની ચૂકવણી, ગોડાઉન ભાડે રાખવા, મગફળીની ગુણવત્તાની ચકાસણી આ બધી જવાબદારી નાફેડની હતી. તેમ છતા નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કેમ કોઇ કાળજી ન લીધી કે પોલીસ ફરીયાદ ન કરી ? મીડિયામાં જે ઓડિયો ક્લિપ ફરે છે તેમાં પણ મગન ઝાલાવાડીયા સ્પષ્ટ રીતે કહેતો સંભળાય છે
કે ગુજરાત સરકાર કડક પગલા લેવા જઇ રહી છે તે અટકાવવા મંત્રીઓને ભલામણ કરો. નાફેડ સાથે બધું ગોઠવાઇ ગયુ છે, નાફેડને અમે સંભાળી લઇશું, નાફેડના ચેરમેન વાઘજી બોડાનો ભત્રીજો રોહિત બોડા આપણી સાથે છે આના પરથી સ્પષ્ટ થાય છે કે, નાફેડના ચેરમેન અને કોંગ્રેસના વાઘજી બોડા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો આ કાંડમાં સંડોવાયેલા હોવા જોઇએ.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પહેલાી જ જુઠ્ઠું બોલવા ટેવાયેલી છે, નેહરૂરી લઇ રાહુલ ગાંધી સુધીના બધા કોંગ્રેસીઓ જુઠ્ઠાણાં ફેલાવવામાં માહિર છે. કોંગ્રેસના વિપક્ષ નેતા જુઠ્ઠા આક્ષેપો કરી રહ્યા છે કે પાંચ હજાર કરોડનું કૌભાંડ છે. પરંતુ વાસ્તવિક્તામાં કુલ ૪ હજાર કરોડની જ ખરીદી થઇ છે. કુલ ૯ લાખ ટન મગફળીની ખરીદીમાંથી ૪.૫૦ લાખ ટન મગફળી તો વેપારીઓ દ્વારા ખરીદાઇ ગઇ છે. સમગ્ર દેશ અને ગુજરાતની જનતાએ ભ્રષ્ટાચારી કોંગ્રેસને જાકારો આપ્યો છે ત્યારે સસ્તી પ્રસિધ્ધિ મેળવવા કોંગ્રેસના નેતાઓ જુઠ્ઠા આક્ષેપો કરી ઉપવાસના નાટક કરી રહ્યા છે.