જુના જોગીઓની જગ્યાએ નવાણીયાને લઇ કોંગ્રેસ નવસર્જન તરફ?
વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ સમયની વાર છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોનો પ્રચાર-પ્રસાર આક્રમક બનતો જાય છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર ધ્યાન ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપર લગાવી દીધું છે. બીજી તરફ ભાજપે પણ મોદી અને અમિત શાહ તેમજ પક્ષના અન્ય જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતારી દીધા છે. અત્યાર સુધી ખેલાતું વિકાસનું રાજકારણ હવે અન્ય પાટે ચડી ગયું છે. વિકાસના પર્યાયને નાથવા કોંગ્રેસ રાજકીય સુનામી લઈ આવે તેવી શકયતા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપનો નર્મદાનો મુદ્દો ઝડપી લીધો છે.
તેમણે ખેડૂતોને પાંચ વર્ષ સુધી નર્મદાનું પાણી આપવાનું વચન આપ્યું છે. બનાસકાંઠામાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ નર્મદા પ્રોજેકટ પૂરો કર્યો હોવાનો દાવો કરી રહી છે. પરંતુ હવે દરેક ખેડૂત સુધી આ પાણી પહોંચાડીશું.
તેમણે બનાસકાંઠાના થરામાં કહ્યું હતું કે, ભાજપ લોકોના રોષની સુનામીથી ડરી ગયું છે. તેમણે કેમ છો કહી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેમણે લોકોને કહ્યું હતું કે, ગુજરાતમાં મોદીજી આવે, અમિત શાહજી આવે, યુપીના સીએમ યોગીજી આવે તોય ભાજપા સરકાર નહીં આવે. કેન્દ્ર સરકારની જીએસટી અને નોટબંધી સહિતની નીતિનો વિરોધ કર્યો હતો. અને વિધાનસભાની ચૂંટરીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો નિર્ધાર પણ વ્યકત કર્યો હતો.
બીજી તરફ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી આગેવાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાસે વિરમગામમાંથી ચૂંટણી લડવાની ટિકિટ માંગી છે. વિરમગામ અલ્પેશ ઠાકોરનું હોમ ગ્રાઉન્ડ છે.
આ ઉપરાંત ભાજપના વિરોધી હાર્દિક પટેલ પણ વિરમગામનો હોવાથી અલ્પેશ ઠાકોરાને આ બેઠક પરથી સરળતાથી વિજય મળી શકે તેવું કોંગ્રેસનું માનવું છે. વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસ આ બેઠક પર જીતી હતી પરંતુ ધારાસભ્ય જયશ્રી પટેલ ભાજપમાં ભળી જતા હવે અહીં બન્ને પક્ષો વચ્ચે મુકાબલો ખરાખરીનો રહેશે.