કમલનાથ, દિગ્વીજયસિંહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે
વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થાય એ પહેલાં રાજકીય પક્ષો ‘એક્શન મોડ’ પર આવી ગયા છે. રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા અર્જુનભાઇ મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજીને આગામી તા.31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિને ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું.
ગુજરાતના 4.50 કરોડ લોકો સાથે કોંગ્રેસના નેતાઓ સીધો જનસંપર્ક કરશે. આ યાત્રામાં 145 જાહેરસભા, 35 જેટલા યાત્રાના સ્વાગત પોઇન્ટ અને 95 જેટલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકારોને મોઢવાડિયાએ જણાવ્યું હતું. આ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કુલ 5432 કિલોમીટરથી પણ વધારે અંતરમાં ફરશે.
મોઢવાડિયાએ જણાવ્યું કે છેલ્લાં ત્રણ દાયકાથી ભાજપના શાસન સામે પ્રશ્ર્નો ઉઠ્યા છે, અણધડ વહિવટથી સમાજના તમામ વર્ગ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના કારણે પણ રાજ્યની પ્રજાનું જીવન દોહયેલું બન્યું છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગ પીસાઇ રહ્યાં છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી છે આ યાત્રામાં કોંગ્રેસના 10 લાખથી પણ વધુ કાર્યકરો જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ અગ્રણીઓ અશોક ગેહલોત, ભૂપેન બધેલ, દિગ્વીજયસિંહ, કમલનાથ, મુકુલ વાસરિક જેવા રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે. રાજ્યમાં કુલ અલગ-અલગ પાંચ રૂટ પરથી યાત્રા પસાર થશે. ભૂજથી રાજકોટ રૂટ પરથી યાત્રાનો પ્રારંભ દિગ્વીજયસિંહના હસ્તે થશે.
સોમનાથથી અમદાવાદ યાત્રાનો પ્રારંભ બી.કે. હરિપ્રસાદના હસ્તે, વડગામથી ગાંધીનગર યાત્રાનો પ્રારંભ અશોક ગેહલોત કરશે. ફાગવેલ (બાલાસિનોર)થી વડોદરા યાત્રાનો પ્રારંભ સચિન પાયલોટના હસ્તે થશે. જ્યારે જંબુસરથી ઉમરગામ યાત્રાનો પ્રારંભ પવન ખેરાનાના હસ્તે કરાશે.
કોંગ્રેસના 11 વચનો
પ્રત્યેક ગુજરાતીને 10 લાખ સુધીની મફ્ત સારવાર કરાવવાની જવાબદારી, દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, વીજળી બિલ માફ, સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ સુધી વીજળી મફ્ત. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનો ભરતી કરવામાં આવશે, 50 ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દૂધ ઉત્પાદકોને દરેક લિટરે 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે. ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે, દીકરીઓ માટે કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ મફ્ત આપવામાં આવશે. 4 લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે. છેલ્લા 27 વર્ષમાં જે જે ભ્રષ્ટાચારો થયા છે તેની સ્ક્રૂટીની થશે, ભ્રષ્ટાચાર વિરૂધ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે. જૂની પેન્શન યોજના ગુજરામાં લાગૂ. મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના, કુપોષણ નાથવા અને ગરબી વર્ગના લોકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઇ યોજના લાગુ કરાશે.