ઉપલેટા તાલુકા પંચાયતની ઢાંક-૧ બેઠકની યોજાયેલી પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજય બનતા ધારાસભ્ય લલીત વસોયાનો વટ અકબંધ રહેવા પામેલ હતો. ઉપલેટા તાલુકા ઢાંક-૧ બેઠક પરથી ભાજપના સભ્ય સરપંચની ચુંટણીમાં વિજય બનતા આપેલા રાજીનામાને કારણે યોજાયેલ પેટાચુંટણીમાં ૩૬.૧૭ ટકા જેવું કંગાળ મતદાન થયેલ હતું. આજે સવારે મામલતદાર ઓફિસે હાથ ધરાયેલી મત ગણતરીમાં કુલ ૧૪૭૧ મતમાંથી કોંગ્રેસના દળુભાઈ જેસુરભાઈ ડાંગરને ૧૦૧૨ મત જયારે ભાજપના પ્રવિણ મુળુભાઈ ખુમાણને ૪૨૮ જયારે નોટામાં ૩૧ મત પડતા કોંગરેસના ઉમેદવાર દળુભાઈ જેસુરભાઈ ડાંગરનો ભવ્ય વિજય થવા પામેલ હતો.
કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાનો વટ અકબંધ રહેવા પામેલ હતો. જયારે તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગરની કામગીરીથી તાલુકાની જનતાને સંતોષ છે તેવું આજના પરીણામ પરથી ઉપસી આવ્યું છે. ઢાંક ગામમાં મુખ્ય પાટીદાર સમાજની વરણી છે ગત ચુંટણીમાં આ બેઠક ઉપરથી ભાજપનો વિજય થયો હતો. ગઈ યોજાયેલી ચુંટણીમાં ભાજપ પાસેથી કોંગ્રેસે બેઠક આંચકી લેવામાં સફળ થયેલ હતું. પાટીદાર પ્રભુત્વવાળી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા આ વિસ્તારમાં હજુ પાસનું વર્ચસ્વ છે તે આજના પરીણામ ઉપરથી સાબિત થઈ ગયું છે.