સવારે ૯ થી રાત્રિના ૯ વાગ્યા સુધી રાજ્યની ૬ મહાનગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવા કરાશે મહા મંથન: બપોરે ૧ થી ૩ રાજકોટનો વારો: સોમવારે પ્રથમ યાદીમાં અમુક ઉમેદવારોના નામ જાહેર કરી દેવાશે

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. સોમવારે કોર્પોરેશનની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. છ મહાપાલિકાના ઉમેદવારો નક્કી કરવા આવતીકાલે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે. જેમાં સવારે ૯ વાગ્યાથી લઈ રાત્રિના ૯ વાગ્યા સુધી ઉમેદવારોના નામ નક્કી કરવા માટે મહામંથન હાથ ધરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા આવતીકાલે સવારે ૯ વાગ્યાથી લઈ રાત્રિના ૯ વાગ્યા સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે.જેમાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પ્રદેશ પ્રભારી તથા જે-તે મહાનગરપાલિકાઓના પ્રભારી ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત જે તે મહાપાલિકાના શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા પણ આ બેઠકમાં હાજરી આપશે. રાજકોટ શહેરનો વારો બપોરે ૧ થી ૩ વાગ્યા સુધીનો રહેશે.જેમાં અમારી સાથે વિરોધપક્ષના પૂર્વ  નેતા વશરામ ભાઈ સાગઠીયા પણ હાજર રહેશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવા ગત ૧૫મી જાન્યુઆરીના રોજ પ્રદેશ નિરીક્ષક નરેશભાઈ રાવલ,અમીબેન યાજ્ઞિક અને શૈલેષભાઇ પરમાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ અલગ અલગ વોર્ડ માટે પેનલ બનાવવામાં આવી છે.જેમાં વોર્ડ દીઠ પેનલમાં ૮ થી ૧૦  સંભવિતોના નામો છે. કુલ ૭૨ બેઠક માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ૨૦૦થી વધુ કાર્યકરો ઇચ્છુ છે. ગત ચુંટણીમાં જીતેલા ઉમેદવારોને ફરી ટિકીટ આપવી કે તેઓની ટીકીટ આપવી તે અંગે તેમના પાંચ વર્ષના કામ પરથી નિર્ણય લેવામાં આવશે. સેન્સ દરમિયાન આવેલા નામો સ્ક્રિનિંગ કમિટી સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.કોંગ્રેસ દ્વારા સોમવારે પ્રથમ રાઉન્ડમાં અમુક ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. કોઇપણ ઉમેદવારને ડાયરેક્ટ ફોર્મ ભરવા માટેનો આદેશ આપવામાં આવશે નહીં. તેઓએ ભારપૂર્વક ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વખતે કોંગ્રેસમાં ઉમેદવારોના નામો જાહેર થયા બાદ કકળાટ ફાટી નીકળતો હોય છે. સંભવિત હોવા છતાં ટિકિટ ન મળતા અનેક આગેવાનો બગાવત કરતા હોય છે.આવી બગાવત ખાળવા માટે કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે અમુક ઉમેદવારોને સીધું ફોર્મ ભરવાનું જ કહી દે છે. આ વખતે કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કમિટીની પણ રચના કરવામાં આવી છે. ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકોનોને કારણે રાજકોટમાં કોંગ્રેસ સત્તા વિહોણા રહ્યું હતું. આ વખતે ખૂબ જ ગંભીર સાથે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતા સપ્તાહે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં આ સાથે જ કોંગ્રેસ ક્રમશ: ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.