2017માં વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો પર વિજેતા બન્યું હતું, આ વખતે માત્ર 18 બેઠકો પર આગળ

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી રાજકીય સંન્યાસ વેઠી રહેલી કોંગ્રેસે હજુ પાંચ વર્ષ સુધી સત્તાથી વિમુખ રહેવું પડશે. ગુજરાતની જનતાએ કોંગ્રેસનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે. જે રીતના પરિણામો આવી રહ્યાં છે. તે જોતાં એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ગુજરાતની જનતાએ કોંગ્રેસને વિરોધ પક્ષને લાયક પણ સમજી ન હોય તેવું લાગી રહ્યું છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસની બેઠકમાં 59નો તોતીંગ ઘટાડો નોંધાયો છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે 16 બેઠકો પર સમેટાઇ જાય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના કરૂણ રકાસ માટે આમ આદમી પાર્ટી જવાબદાર હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ હતો. જેમાં સત્તાધારી પક્ષ ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં હતી. ઓછું મતદાન થતાં અનેક સમીકરણો રચાયાં હતાં. જો કે, ગુજરાતની શાણી જનતાએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે અને રેકોર્ડ બ્રેક બેઠકો પર જીત અપાવી છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરોના કારણે ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. જેની સામે કોંગ્રેસ 77 બેઠકો પર વિજેતા બન્યું હતું. ગુજરાતની જનતાએ આ વખતે કોંગ્રેસને માન્ય વિરોધ પક્ષથી પણ વંચિત રાખવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી  રહ્યું છે.

કારણ કે માન્ય વિરોધ પક્ષ બનવા માટે ઓછામાં ઓછી 18 બેઠકો જીતવી જરૂરી છે. હાલ કોંગ્રેસ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો તેમાં એકપણ બેઠકનો ઘટાડો થશે તો કોંગ્રેસ ગુજરાતમાં માન્ય વિરોધ પક્ષનું પણ પદ ગુમાવી દેશે અને સંપૂર્ણપણે સરકારની રહેમરાહે આવી જશે. આ પરિણામની અસર રાજ્યસભામાં પણ પડશે. કારણ કે હાલ ગુજરાતની રાજ્યસભાની 11 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો છે. વિધાનસભાની બેઠકોના આધારે રાજ્યસભાની બેઠક નક્કી થતી હોય છે. જે રીતે કોંગ્રેસ 16 બેઠકો પર સમેટાઇ રહ્યું છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે રાજ્યસભામાં પણ ગુજરાતમાંથી કોંગ્રેસનો એકપણ સભ્ય આગામી દિવસોમાં હશે નહિં.

પરિણામ જોતાં હાલ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસને ૬૧ બેઠકોનું નુકશાન થઇ રહ્યું છે. જો કે આના માટે સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીની એન્ટ્રી જવાબદાર હોય તેવું મનાઇ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા હતા તે જ પેટર્ન વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી છે. અનેક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વધુ મતો મળ્યાં છે. આપની એન્ટ્રીથી ગુજરાતમાં કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.