રાજકોટના લોકોની મહેરબાનીથી મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યો: રાજકોટવાસીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનતા પ્રધાનમંત્રી
ગુજરાત રાજય વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ જોરશોરથી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યા છે. હાલમાં રાજકીય માહોલ ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે ભાજપ દ્વારા રાજકોટના નાનામવા સર્કલ ખાતે મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારથી બે દિવસ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર પ્રવાસે આવ્યા છે. જે અંતર્ગત રાજકોટમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ તકે સભામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જયેશભાઈ રાદડિયા, ૬૮-વિધાનસભાના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી, ૭૦-વિધાનસભાના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલ, ૭૧-વિધાનસભાના ઉમેદવાર લાખાભાઈસાગઠિયા તેમજ મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડયા હતા. રાજકોટની ચારેય બેઠકના ઉમેદવારોએ વડાપ્રધાન મોદીનું હારતોરા કરી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. લોકોએ નારા સાથે વડાપ્રધાનને વધાવી લીધા હતા.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ૧૦ વર્ષ સુધી મોની બાબા બોલ્યા નથી અને હવે બોલતા થયા છે જાણે બાર વરસે બાવો બોલ્યો હોય. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બાર વરસે બાવો બોલ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી કોંગ્રેસની સરકાર લોકો વિરુઘ્ધ માનસિકતા ધરાવતી હતી. સૌરાષ્ટ્રના માલધારી લોકો પાણી વગર હિજરત કરતા હતા. ગુજરાતના હિતવારી સરકાર ગુજરાતના વિકાસની વાત કરી છે. ગુજરાતનો વિકાસ ભારતનું રોલ મોડલ બન્યું છે. ૪૫ વર્ષમાં ગુજરાતના લોકોની માથાદીઠ આવક ૧૩ હજાર હતી જે ખૂબ જ વધી છે. ખેતીનું ઉત્પાદન હવે રૂ.૧.૧૦ કરોડનું થયું છે. રાહુલ ગાંધી ગુજરાત આવે છે અને જુઠુ બોલે છે. ગુજરાતના લોકો અમેઠી નથી જતા પરંતુ અમેઠીથી રોજગારી મેળવવા લોકો ગુજરાતમાં આવે છે. તેમ અંતમાં જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કેમ છો બધા મજામાં, અને હું તો છું એવોને એવો જ છું, રાજકોટની મહેરબાની છે કે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો અને અહીંથી જ મારી વિજયગાથા શરૂ થઈ હું વડાપ્રધાન બન્યો તેના માટે હું રાજકોટવાસીઓનો અંત:કરણપૂર્વક આભાર માનુ છું. સભાને સંબોધન કરતા પી.એમ.એ મનમોહનસિંહનું નામ લીધા વિના નિશાન સાધ્યુ હતું પહેલા તો મોટી મોટી ડિગ્રીવાળા વડાપ્રધાન હતા. હાવર્ડવાળા વડાપ્રધાન હતા પરંતુ અમે હાર્ડવર્કવાળા પી.એમ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, વિકાસથી જ ભારતનો દેશભરમાં ડંકો વાગ્યો છે. દુનિયાનો કોઈ વ્યકિત મારી સાથે હાથ મિલાવતો હોય ત્યારે નરેન્દ્ર મોદી સાથે નહીં પણ દેશના સો કરોડના સ્વયંસેવક સાથે હાથ મિલાવતો હોય છે. કોંગ્રેસ પર પ્રહાર સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસ પરાજયના વિક્રમો સર્જે છે જેનું ઉદાહરણ હાલમાં જ ઉતરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનું કચ્ચરધાણ નિકળી ગયું છે. કોંગ્રેસનું કોઈ નામ સાંભળવા પણ હવે દેશમાં કોઈ તૈયાર નથી થતા.
વધુમાં તેઓએ કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સફેદ દુધ જેવુ જુઠાણુ બોલે છે. કોંગ્રેસે મનોમંથન કરવુ જોઈએ. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ૪૮ હજાર હેકર જમીન મોદીએ જમીન ઉધોગપતિઓને આપી દીધી પરંતુ આ વિસ્તાર પૃથ્વીથી ત્રણ ગણો થાય તો કેવી રીતે સમજવું રાહુલ ગાંધીને કોઈ ગતાગમ નથી. મોદીએ જણાવ્યું કે એરપોર્ટથી હું સભા સ્થળે આવતા બોર્ડમાં વાંચ્યુ કે ત્રણ સીએમ રાજકોટને આપ્યા તો પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ ન આપ્યું તો એરપોર્ટની મંજુરી કેન્દ્ર સરકાર આપે રાજય સરકાર નહીં આવુ ખોટુ કોંગ્રેસ સિવાય કોઈ ન બોલી શકે હવે તો હું પાકા પાયે કહી શકું કે કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી ભઠો સાવ બેસી ગયો છે. કોંગ્રેસને ખોટું બોલતા સિવાય કશુ નથી આવડતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારત માટે વધુને વધુ એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. વિશ્ર્વમાં ભારતની બોલબાલા છે. ભારતના સમર્થને દુનિયા સ્વિકારી રહી છે અને ત્રણ વર્ષના કઠોર પરિશ્રમ બાદ ભારત ૧૪૨માંથી ૧૦૦માં નંબરે પહોંચ્યું છે અને આ ડુઈંગ બિઝનેસની યાદીમાં જણાવ્યું છે. નોટબંધીને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, લોકોને કઈ વાંધો નથી તો તમને શું વાંધો છે. નોટબંધીથી જેમનું ગયુ તેમને વધુ તકલીફ પડી છે. નોટબંધી બાદ અઢી લાખ બોગસ કંપનીઓને તાળા મારી દીધા છે. રેવન્યુ ઉંચી લાવવામાં પણ ભાજપનો હાથ છે. દેશમાં એલઈડી નાખવાની ઝુંબેશ ભાજપે ચલાવી વીજળી બીલમાં ૧૪ હજાર કરોડ ઓછા કર્યા છે. વ્યવસ્થાથી અમે દેશના ૪૦ હજાર કરોડ બચાવ્યા છે.
એક જમાનો હતો કે અમારા આવતા પહેલા ગુજરાતનું બજેટ રૂ.૧૦ હજાર કરોડ હતું અને આજે રૂ.૧ લાખ ૭૮ હજાર કરોડ છે. રાજીવ ગાંધીજી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓએ એવું કીધુ હતુ કે દિલ્હીમાંથી ૧૫ રૂપિયા ગુજરાત સુધી આવતા એક રૂપિયો થઈ જાય તો આ કોને પંજો ઘસી નાખ્યો હશે.
આંકડાકીય માહિતી આપતા મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રેવન્યુની ઈનકમ રૂ.૧ લાખ ૨૧ હજાર કરોડ છે જે પહેલા ખુબ ઓછી હતી. કોંગ્રેસના શાસનમાં ૧૮૦૦ કરોડ શિક્ષણમાં અપાતા હતા. આજે અમે ૨૨ હજાર કરોડ રૂપિયા આપીએ છીએ. આરોગ્ય ક્ષેત્રે ૪૭૦ કરોડ અપાતા હતા અને અમે અત્યારે ૯ હજાર કરોડ રૂપિયા આરોગ્યક્ષેત્રે વાપરીએ છીએ. ખરીદ ઉધોગોમાં પહેલા ૮૦ હજાર કરોડનો કારોબાર હતો.
અમારા આવ્યા પછી ૧૨ લાખ ૭૮ હજાર કરોડનો કારોબાર થયો છે. જેનું કારણ કોંગ્રેસના રાજમાં ખનીજચોરી થતી હતી. ખનીજ ક્ષેત્રે કોંગ્રેસના શાસનમાં ૭ થી ૮ હજાર લોકો કામ કરતા હતા. જયારે આજે ૧૫ લાખ લોકો ખનીજક્ષેત્રે રોજગારી મેળવે છે એ વખતે લગભગ પોણા બે લાખ લઘુ ઉધોગ હતા. જયારે આજે ૪ લાખ લઘુ ઉધોગો થયા છે. અમારી કોશીશ દેશને મુસીબતમાંથી બહાર કાઢવાનો છે.
દેશમાં મધ્યમ વર્ગનો માનવીનું પોતાનું ઘરનુ ઘર હોય, દેશમાં આટલી સરકાર આવી પરંતુ કોઈએ મદદ ન કરી. પહેલીવાર ભારતમાં એવી સરકાર બની કે અમે નકકી કર્યું મધ્યમ વર્ગના માનવીને પોતાના ઘર બનાવવા માટે બેંકમાં વ્યાજના ૪ ટકાની રાહત કરી.
વધુમાં તેઓએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે જે વસ્તુ કોંગ્રેસના રાજમાં રૂ.૨ લાખ વેચાતી હતી અને આજે એ વસ્તુ ૩૦ હજારમાં વેચાય છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે અમે ચિંતા કરી છે એટલે જ તો મોદી સામે કોંગ્રેસને વાંધો પડે છે. આંખમાં ખૂંચે છે. હું રાજકોટનું પાણી પીને ધારાસભામાં ગયો છું. આ ધરતી રણછોડદાસ બાપાની અને જલારામ બાપાની ધરતી છે. ગરીબોને જે લુંટાયું છે એને હું ૧૦૦ ટકા પાછુ અપાવીશ.