ભાજપના નેતાઓએ બુટ-ચંપલ પહેરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કર્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: આગેવાનો અબતકની મુલાકાતે
શહેરના જયુબીલી ગાર્ડનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ આજે સતાધારી પક્ષ ભાજપે ‘બાપુ’ની પ્રતિમા પાસેની ગ્રીલ પર ભારતનો તિરંગો ઝંડો લગાવવાના બદલે ભાજપની ઝંડીઓ લગાવી દેવા આ ઘટનાનાવિરોધમાં કોંગ્રેસે એક કલાકના ધરણા કર્યા હતા. ભાજપના નેતાઓએ બુટ-ચંપલ પહેરી બાપુની પ્રતિમાને ફુલહાર કર્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના અગ્રણીઓએ આજે અબતકની મુલાકાત કર્યો હતો.અબતકની મુલાકાતે આવેલા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય વિજયભાઈ વાંક અને ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારે જયારે અમે જયુબીલી ગાર્ડને ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવા પહોંચ્યા ત્યાં ગ્રીલ પર ભાજપની ૧૦૦થી વધુ ઝંડીઓ લગાવેલી જોવા મળતા આ અંગે અમોએ મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનું ધ્યાન દોયુર્ં હતું.તેઓ અમારી સાથે લડાઈ પર ઉતરી આવ્યા હતા પરંતુ અહિંસાના પુજારી એવા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ કોંગ્રેસ કોઈ લડાઈ કરવા માંગતું ન હોય અમે આ ઘટનાના વિરોધમાં સ્થળ પર જ એક કલાક માટે ધરણા પર બેસી ગયા હતા.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના વારસદારો જાણે ભાજપના નેતાઓ હોય તેવું લાગી રહ્યું છે. આજે ભાજપના કેટલાક મહિલા અગ્રણીઓ સહિતનાએ પગમાં બુટ-ચંપલ પહેરી બાપુની પ્રતિમાને હારતોરા કર્યા હતા. આજની ઘટના અંગે અમે ખુબ વિરોધ નોંધાવ્યો છે. ભાજપને અમારી સાથે લડાઈ કરવાની ઈચ્છા હોય તો અમે ગમે ત્યારે બે-બે હાથ કરવા તૈયાર છીએ તેવો પડકાર પણ કોંગ્રેસના નેતાઓએ કર્યો હતો. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, ભાજપે વાસ્તવમાં આજના દિવસે ભાજપની ઝંડી લગાવવાના બદલે બાપુની પ્રતિમા પાસે તિરંગો લગાડવાની જરૂર હતી.