દિલ્હીમાં પવન બંસલ અને કે.સી.વેણુગોપાલ સાથે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતનાની મેરેથોન બેઠક
લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતમાં સંગઠન માળખાને પણ મજબૂત કરવા મનોમંથન
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં પક્ષમાં નેતૃત્વ પરિવર્તનનો શંખનાદ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. તેઓએ ત્રણ દિવસ પૂર્વ વિવિધત રિતે ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે દિલ્હીમાં પક્ષમાં કેટલાક નેતાઓએ બેઠક યોજી હતી. જેમાં લોકસભાની આગામી ચૂંટણી પૂર્વ ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આવેલી કોંગ્રેસની સ્થાવર મિલકત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં જે જિલ્લા અને મહાનગરોમાં કોંગ્રેસના પોતાની માલીકીના કાર્યાલય નથી ત્યાં કાર્યાલય બનાવવા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ દ્વારા આગામી દિવસોમાં નવુ સંગઠન માળખુ જાહેર કરવામાં આવશે. જેમાં ઝોન વાઇઝ કાર્યકારી પ્રમુખની નિયુક્તી કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યાના ગણતરીની કલાકોમાં દિલ્હી દરબારમાંથી આદેશ છૂટ્યા હતા અને ગુરૂવારે બેઠકમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી હતી. દરમિયાન નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઇ ચાવડા સહિતના નેતાઓ આજે દિલ્હી પહોંચી ગયા હતા. આજે તેઓએ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પવન બંસલ અને વી.સી.વેણુગોપાલ સાથે બેઠક યોજી હતી. હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની માલીકીની મિલકત અંગે તમામ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ક્યાં શહેરમાં કોંગ્રેસની માલિકીની કેટલી સ્થાવર મિલકતો એકત્રિત કરવામાં આવી છે. તેની વિગતો એકત્રિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાતના ક્યાં જિલ્લા અને શહેરમાં કોંગ્રેસના પોતીકી માલીકીના કાર્યાલય નથી તે અંગે પણ હાઇકમાન્ડ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. રાજ્યમાં જે જિલ્લા અને શહેરમાં કોંગ્રેસના કાર્યાલયો પક્ષના હોદ્ેદારો, આગેવાનો કે કાર્યકરોની ઓફિસમાં ધમધમે છે. તેના બદલે કાયમી સરનામા માટે કોંગ્રેસ પોતાની માલીકીના કાર્યાલય બનાવે તેવી યોજના પણ લાવવાની વિચારણા કરવામાં આવી હતી. આ અંગે આગામી દિવસોમાં પક્ષ દ્વારા કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે.
લોકસભાની ચૂંટણીના આડે હવે નવ થી દશ માસનો સમય બચ્યો છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં એકપણ બેઠક જીતી નથી. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયો હતો. રાજ્યની 182 બેઠકો પૈકી માત્ર 17 બેઠકો જ જીતી શકી હતી. હવે ગુજરાતમાં રાજ્યસભા પણ આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત બની જશે. લોકસભાની ચૂંટણીમાં રકાસની હેટ્રીક ખાળવા માટે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ સંગઠન માળખુ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં સંગઠનના હોદ્ેદારો જાહેર કરવામાં આવશે.
આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ગુજરાતના સંગઠન માળખામાં ધડમૂળથી ફેરફાર કરી દેવામાં આવ્યું છે. જગદીશ ઠાકોરના સ્થાને રાજ્યસભાના સાંસદ અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને ગુજરાતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.