આર્થિક સંકડામણમાં લોકોને રાહત આપવા માંગ
કોરોનાની મહામારીને કારણે રાજયભરના લોકો ત્રાહિમામ થઇ ગયા છે. લાંબા લોકડાઉનને કારણે લોકો આર્થિક રીતે ખુબ તકલીફ ભોગવી રહ્યા છે. આજના સમયે રોજનું કમાઇ રોજનું ખાનારા લોકોને જીવન ટકાવવુ મુશ્કેલ બન્યું છે. આ સમયે વીજળી બીલ, પાણી વેરો, મિલ્કત વેરો, સ્કુલ ફીનો બોજ વગેરેએ સામાન્ય વ્યકિતની કમરતોડી નાખી છે ત્યારે વીજ બીલ, પાણી વેરો,મિલ્કત વેરો, શાળાઓની ફી માફ કરવા સહિતના મુદ્દે કોંગ્રેસ સમિતિએ સૌરાષ્ટ્રભરના જિલ્લા-તાલુકા મથકે આવેદન આપી રજુઆત કરી છે.
લાઠી
લાઠી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર સહિત કોંગ્રેસ સમિતિના અગ્રણીઓએ મામલતદાર લાઠીને વિવિધ માંગ કરતું આવેદન પત્ર પાઠવ્યું છે.
લાંબા લોકડાઉનને કારણે વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધિરાણ ની મુદલ અને વ્યાજ ભરવા માટે ખેડુતો પાસે રોકડ રકમની સગવડ ના સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો-રીન્યુઅલ અમલમાં મુકે અને વ્યાજ માફી કરે વર્તમાન અત્યંત કપરા સંજોગોમાં સૌ લોકોને સહાય પૂરી પાડવી તે માટે સરકારી યોજનાઓમાં માનવીય અભિગમ દાખવી સૌને આવી સહાય પૂરી પાડવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી.
વિસાવદર
વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ સામે મામલતદારને આવેદન પત્ર અપાયું હતું. ગુજરાતના રાજયપાલને ઉદ્દેશીને મામલતદાર મારફતે તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વિવિધ મુદ્દાઓની માંગણી સાથે ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડદોરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઇ જોશી (એડવોકેટ) જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઇ પોકીયા, સુભાષભાઇ વિગેરે દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
કાલાવડ
કાલાવડ તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિએ પ્રજાજનોનો આર્થિક બોજ હળવો કરવા તેમજ ખેડૂતોની વિવિધ રજુઆતો મુદ્દે ગઇકાલે કાલાવડ મામલતદારને આવેદન પાઠવ્યું હતું આ તકે ૭૬ વિધાનસભાના ધારાસભ્ય, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજર રહ્યા હતા.
પ્રભાસ પાટણ
વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના ૩ મહિનાના વીજળી બીલ માફ કરવા, ગરીબ અને મઘ્યમ વર્ગના તમામ પરિવારોના ટોટલ વેરા માફ કરવા અને ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની માફ કરવા, ગરીબ મઘ્યમ વર્ગના વિવિધ પ્રશ્ર્નોની લોક માંગણી ને લઇ નાયર કલેકટર કચેરી વેરાવળ ખાતે વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી પ્રજાપતિ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દીનેશભાઇ રાય, જયકરભાઇ ચોટાઇ, અફઝલભાઇ, પ્રવીણભાઇ ગઢીયા, યગ્નેશભાઇ સીરોદરીયા, હર્ષલભાઇ ઋષિ, નરેશભાઇ ચાવડા, હિતેશભાઇ સોલંકી હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા, કાલા-કપાસના પાકને ટેકાના ભાવે ખરીદવા, ખેડૂતોના વિજળીના બિલ માફ કરવા અને નર્મદાની કેનાલોમાં પાણી છોડવા સહિતના વિવિધ પ્રશ્ને રણકાંઠાના ખેડૂતો લાલઘૂમ બન્યા છે. ગઈકાલે ધારાસભ્ય સહિતના ખેડૂતોએ મામલતદાર કચેરીએ ધસી જઇ હલ્લાબોલ સાથે મામલતદારને લેખીત આવેદનપત્ર આપ્યું હતુ.
વિવિધ માંગો સાથે દસાડા લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલાભાઇ પટેલ, વિક્રમભાઇ રબારી, પરમાભાઇ રથવી, જેંતિભાઇ સહિતના કોંગ્રેસી આગેવાનો દ્વારા પાટડી મામલતદાર કચેરીએ ધસી જઇ હલ્લાબોલ સાથે પાટડી મામલતદાર કે.એસ.પટેલને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયા, શહેર પ્રમુખ અમીતભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે, ખાનગી શાળાની આગામી શૈક્ષણીક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડે. સાથોસાથ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ લોન ઉપર મકાન લીધેલ છે અને લોક ડાઉન ના સમય દરમિયાન લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે ત્યારે મકાનોના હપ્તા ઓગસ્ટ માસ સુધીમાં ભરવાની મુક્તિ આપવામાં આવે અથવા હાઉસિંગ લોનના હપ્તાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વેરાવળ
ગીર-સોમનાથ જીલ્લા અને વેરાવળ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા ડેપ્યુટી કલેકટર ને વીજળી,મિલકત,પાણી વેરા અને ખાનગી સ્કુલ ની પ્રથમ સત્રની ફી માફી કરવા માટે આવેદન આપ્યુ હતું.
તો આ તકે ગીર-સોમનાથ જીલ્લા અને વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવનભાઈ બારડ, દિનેશભાઈ રાયઠ્ઠા, કરશનભાઇ બારડ,જયકરભાઈ ચોટાઈ,અફઝલ સર,હીરાભાઈ રામ,યજ્ઞેશ સિરોદરિયા,હિતેશ સોલંકી, હિરેનભાઈ,પ્રેમ ગઢિયા,હર્ષલ રિશી વગેરે હાજર રહ્યા હતાં.