દુકાન પાસે એક ફુટનું પગથીયું તે દબાણ નથી: એક ફુટનું બાંધકામ પણ તોડી પાડવાની માંગ કરી કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે ? સ્ટે.ચેરમેનનો સવાલ
મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના રાજમાર્ગો પર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દુકાન પાસે ૧ ફુટનું પગથીયું બનાવનાર વેપારીઓએ દબાણ કર્યું છે તેવું જણાવી કોંગ્રેસ આ દબાણ દુર કરવાની માંગણી કરી રહ્યું છે જે સાબિત કરે છે કે કોંગ્રેસની માનસિકતા વેપારી વિરોધી છે તેમ આજે એક નિવેદનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ વેપારી પોતાની દુકાન પાસે એક ફુટનું બાંધકામ કરે તો વાસ્તવમાં આ બાંધકામ દબાણ કહી શકાય નહીં. કારણકે એક ફુટના બાંધકામ વેપારીએ દુકાનમાં આવવા-જવવા માટે પગથીયું બનાવવા માટે કર્યું હોય છે અથવા તો સરળતાથી શટર બંધ કરી શકાય તે માટે કરવામાં આવતું હોય છે.
ત્યારે કોંગ્રેસના મિત્રો આ એક ફુટના બાંધકામને પણ દબાણ ગણી તેને દુર કરવાની માંગણી કરી રહ્યા છે તે વાસ્તવમાં એવું સાબિત કરે છે કે કોંગ્રેસની માનસિકતા જ વેપારી વિરોધી છે. તેઓએ ઉમેર્યું હતું કે, અમે ભાજપના શાસકો એવું માનતા નથી કે દબાણ થવું જોઈએ. દબાણ હટાવવાની તરફેણમાં છીએ. કોઈપણ ભલામણ ગાહ્ય રાખતા નથી પરંતુ એક ફુટનું બાંધકામ દબાણ ન કહી શકાય.
જો કોઈ વેપારીએ પાંચ-સાત ફુટનું બાંધકામ કર્યું હશે કે પોતાનો સામાન ફુટપાથ પર રાખ્યો હશે, બહાર છાપરા ખેંચ્યા હશે કે અન્ય કોઈ પ્રકારના દબાણ હશે તો તેને ચોકકસ તોડી પાડવામાં આવશે. તેમ અંતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.