આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં ૧0
શું કહે છે ભાજપ?
રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૦ ની જો વાત કરવામાં આવે તો આ વોર્ડમાં નગરસેવકોની ચાર બેઠકો પર શહેરના પ્રથમ મેયર બીનાબેન આચાર્ય, અશ્વિન ભોરણીયા, જ્યોત્સનાબેન ટીલાળા અને કોંગ્રેસ તરફે મનસુખ કાલરીયાને ચૂંટીને પ્રજાએ મનપા ખાતે મોકલ્યા હતા. વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસનું સમીકરણ ૩:૧ નો છે. ત્યારે ભાજપના વોર્ડના નેતાઓ દિનેશ કારીયા, અશ્વિન ભોરણીયા, રજની ગોલ સહિતના નેતાઓએ કોંગ્રેસ પક્ષ અંગે સંયુક્ત મત રજૂ કરતા કહ્યું હતું કે, એક સમયે ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી અને
ત્યારબાદ ગાંધીજીએ કોંગ્રેસને વિખેરી નાખવા કહ્યું હતું પણ કોંગ્રેસે શાસન યથાવત રાખ્યું હતું. કોંગ્રેસનો પગ હવે કબરમાં છે ફક્ત હવે તેને દાટવાનું જ બાકી રહ્યું છે. પક્ષની કમાન સંભાળનાર ગાંધી પરિવારનો જ હોવો જોઈએ આ બાબતે કોંગ્રેસની ઘોર ખોદી છે જેના પરિણામે સવા સો વર્ષ જૂની કોંગ્રેસ હાલ તળિયે આવી ગઈ છે. કોંગ્રેસ પક્ષની પરિસ્થિતિ નબળી થવા પાછળ ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ફક્ત નેતાઓનો પક્ષ છે જ્યાં કાર્યકરોનો અભાવ છે જ્યારે ભાજપ કાર્યકરોનો પક્ષ છે. કાર્યકરો અને સંગઠનના અભાવે કોંગ્રેસ ધીમે ધીમે ખતમ થઈ રહી છે. વર્ષ ૨૦૧૫ના ચૂંટણીના પરિણામ અંગે ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, વોર્ડની ચારેય બેઠકો ભાજપના ફાળે જ જવાની હતી પણ ત્યારે પાટીદાર અનામત આંદોલનને કારણે સરકાર વિરોધી વાતાવરણ રચાયું હતું જેનો લાભ લઈને કોંગ્રેસે યેનકેન પ્રકારે એક બેઠક જીતી હતી પણ આગામી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક આવશે નહીં. કોંગ્રેસે પાંચ વર્ષમાં પ્રજાનું મુખ જોયું જ નથી. કોઈને પણ કંઇ કામ હોય તો ભાજપ કાર્યાલયએ એકમાત્ર લોકોનો વિકલ્પ છે.
શું કહે છે કોંગ્રેસ?
વોર્ડ નંબર ૧૦ કોંગ્રેસના પ્રમુખ દિનેશ પાટોળીયા, અભિષેક તાળા સહિતના નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ૧૨૫ વર્ષ પૂર્વે જે મૂલ્યોને વરેલું હતું હાલ પણ તે જ મૂલ્યોને વરેલું છે. કોઈ તફાવત આવ્યો નથી. હજુ પણ કોંગ્રેસ પ્રજાને એટલું જ પ્રિય છે પણ ભાજપ ઇવીએમના સહારે જીતનો પરચમ લહેરાવે છે. કોંગ્રેસી નેતાઓએ કહ્યું હતું કે, અહીંથી અમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે સરકાર એકવાર કોઈ પણ ચૂંટણી બેલેટ પેપરના માધ્યમથી યોજીને બતાવે અને જવાબ ચૂંટણીના પરિણામ આપશે. ફક્ત ઇવીએમના સહારે ભાજપ ભગવાકરણ
કરી રહ્યું છે પણ ઇવીએમ ગયું તો ભાજપ પણ સતા પરથી જતી રહેશે એ બાબત સ્પષ્ટ છે. કોંગ્રેસ તેમના નેતાઓને કેમ સાચવી શકતું નથી તેના જવાબમાં કોંગ્રેસી નેતાઓને યેનકેન પ્રકારે સામ, દામ, દંડ અને ભેદની જેમ લાલચ – લોભ, ડરાવી – ધમકાવીને તોડ જોડ કરીને ભાજપ સતામાં યથાવત રહેવા ફાફા મારી રહ્યુ છે પણ આ નિમ્ન સ્તરનું રાજકારણ હવે પ્રજા સાંખી નહીં લ્યે, પ્રજા હવે સમજી ગઈ છે કે, ભાજપ કેવું રાજકારણ રમી રહી છે તે બાબતે પ્રજા સજાગ થઈ ગઈ છે જેથી હવે ભાજપની સતા જવાની છે તે બાબત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. વોર્ડ નંબર ૧૦માં પાટીદાર સમાજના મતોનું પ્રભુત્વ છે, ગત મનપાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે સરકાર વિરોધી વાતાવરણ બન્યું છતાં કેમ કોંગ્રેસ વોર્ડ નંબર ૧૦ માં કોંગ્રેસ એક જ બેઠક મેળવી શકી તેના જવાબમાં કોંગી નેતાઓએ કહ્યું હતું કે, ભાજપ તોડ – જોડના રાજકારણમાં માનતી આવી છે. જેવી રીતે તે નેતાઓને પક્ષ પલટો કરાવે છે તેવી જ
રીતે સમાજમાં ધ્રુવીકરણ કરાવી ભાજપ સતારૂઢ બની છે પણ આગામી ચૂંટણીમાં એવું નહીં બને. વોર્ડ નંબર ૧૦ સહિત સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે.
શું કહે છે પ્રજા?
વોર્ડ નંબર ૧૦ ની પ્રજાએ મત રજૂ કરતા કહ્યું હતું કે, અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા પરંતુ અમારો નેતા એ જ જે અમારા કાર્યો કરે, જેને મળવા માટે ધક્કા ન ખાવા પડે અને અમારે હેરાનગતિનો સામનો ન કરવો પડે. વોર્ડ ૧૦માં પાટીદાર સમાજના મતોનું પ્રભુત્વ છે. અહીંના ચૂંટાયેલા નેતાઓમાં અશ્વિન ભોરણીયાને પ્રજા સૌથી વધુ પસંદ કરે છે જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર મનસુખ કાલરીયાની ચાહના સારી છે. આ બંને નગરસેવકો સતત સક્રિય હોય છે. પ્રજાના નાનામાં નાના કાર્યો માટે આ બને નેતાઓ સક્રિય રહેતા હોય છે. પ્રજાએ કોંગ્રેસની સ્થિતિ અંગે કહ્યું હતું કે, કોંગ્રેસમાં એવો કોઇ નેતા
નથી જેને ધ્યાને રાખીને પ્રજા મત કોંગ્રેસને આપે. પરિવારવાદમાં ફસાયેલી કોંગ્રેસના પતન પાછળ ખુદ કોંગ્રેસ જવાબદાર છે. વોર્ડ નંબર ૧૦માં મનસુખ કાલરીયા સિવાય જો કોઈ અન્ય વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તો તેમની હાર લગભગ નિશ્ચિત છે કારણ કે, અહીં લોકો મનસુખ કાલરીયા સિવાય કોંગ્રેસમાં કોઈને પણ ઓળખતા નથી. પાટીદાર સમાજના મતો ફક્ત આંદોલનને કારણે કોંગ્રેસને મળી જશે તે બાબત વોર્ડ નંબર ૧૦માં બિલકુલ ખોટી ઠરી છે. પ્રજા પોતાનું હિત બખૂબી જાણે છે જેથી આ વોર્ડમાં ફક્ત એક જ કોંગી નેતાને જીત અપાવી હતી.