કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિભાઈ બાવરવાએ હોર્ડિંગ્સ મામલે અધિકારીઓ ની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા
રાજકોટ-૦ મોરબી હાઇવે તેમજ મોરબી જિલ્લાના અન્ય રાષ્ટ્રીય-રાજ્ય ધોરી માર્ગ ઉપર ખાડકાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ મામલે રાજ્યના માર્ગ મકાન વિભાગના સચિવ ને ધગધગતો પત્ર લખી આ કાળા કારોબારમાં અધિકારીઓની ભૂમિકા પર શંકા કરી તાકીદે ગેરકાયદે હોર્ડિંગ ઉભા કરનારાઓ સામે કડક પગલાં ભરવા માંગ ઉઠાવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યલય મંત્રી કાંતિલાલ બાવરવાએ માર્ગ મકાનના સચિવને લેખિતમાં રજૂઆત કરી હતી કે મોરબી જીલ્લામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે વગેરે રોડ આવેલા છે. આ બધા રોડની સાઈડમાં ધારાધોરણોના પાલન વિના આડેધડ જાહેરાતની કંપનીઓ દ્વારા મુકવામાં આવેલા સંખ્યાબંધ હોર્ડીંગોના કારણે ડ્રાઈવર ભાઈઓનું ધ્યાન રોડ પરથી અન્યત્ર જતા અકસ્માતો થાય છે તેમજ અકસ્માતો થવાની શક્યતાઓ વધી જાય છે.
આ હોર્ડીંગો બાબતે હાલ માં સમાચાર પત્રો માં આવેલ અહેવાલ મુજબ બધા જ હોર્ડીંગો ગેરકાયદેસર છે. સરકાર શ્રીની કોઈ જ જાત ની મંજુરી લેવામાં આવેલ નથી. તો અમારી આપને વિનંતી છે કે, આના પાછળ કોનો હાથ છે? શા માટે આટલો સમય થવા છતાં વગર મંજુરીએ આ હોર્ડીંગો લાગવા દેવામાં આવેલ છે? શા માટે આના સામે કોઈ કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવેલ નથી? આવું કેટલા સમય થી ચાલે છે? તેમજ આના કારણે સરકાર ને કેટલું નુકશાન જવા પામેલ છે? વગેરે બાબતે યોગ્ય તપાસ કરી કસુરવાર સામે યોગ્ય દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે.
આવા હોર્ડીંગો લગાવવાના પેમેન્ટ જે તે જાહેરાત આપનાર કંપનીઓ પાસેથી તો લેવામાં આવતું જ હોય છે તો પછી શા માટે સરકારશ્રીની પરવાનગી લેવાની દરકાર કરવામાં આવેલ નથી. આવા માથાભારે લોકો સામે તપાસ કરી તેમને યોગ્ય સજા કરવી જોઈએ તેવી માંગ લોકો માં ઉઠી રહી છે. તો આ બાબતે લોકોની માંગણી ને ધ્યાને લઇ તાત્કાલિક યોગ્ય તપાસ ના આદેશો આપી, કોઈ કડક, પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી ને તપાસ સોપી યોગ્ય પગલાઓ લેવા અને યોગ્ય કરવા અમારી માંગણી છે.