પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા રજૂઆત
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદા હેઠળ પશુ આહાર ને પણ જીએસટીના ટેક્સ દાયરામાં લઇ લેતા મોરબી કોંગ્રેસ આગેવાન દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રીને રજૂઆત કરી ખોળ-કપાસિયા પરનો કર નાબૂદ કરવા માંગણી કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલનાં ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માલધારી પશુધનનાં ખોરાક ખોળ, કપાસિયા પર જીએસટી વેરો નાબુદ કરવા અંગે નાણામંત્રી અરુણ જેટલીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, પશુધન માટેના ખોળ અને ક્પાસિયાના વેચાણ પર કોઈપણ વેરો લેવામાં આવતો નહીં. પરંતુ ગામ અને ગૌવંશને આગળ ધરી લોકચાહના મેળવતી સત્તાનાં સૂત્રો હાંસલ કરનાર ભાજપના કેન્દ્રિય નાણાંમંત્રી તરીકે પશુ ખોરાક પર પાંચ ટકા જીએસટી લાગુ કરી મોટો અન્યાય કરેલ છે.
દેશના મહામુલા પશુધનને નિભાવવા પશુપાલકો અને માલધારી પરિવાર સામાન્ય સ્થિતિમાં પશુ સહિત તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ માટે આ વેરો ભારે દુખદ છે. આજે ખેતી કરતાં ખેડૂતો પણ પશુધન સાચવતા નથી તેઓને પોષાતું નથી. આ સંજોગોમાં પશુપાલકો આર્થિક અને શારીરિક મુશ્કેલીને વેઠીને અબોલ પશુધન નિભાવે છે. ત્યારે તેઓ માટે પશુઆહાર પરનો વેરો ભારે દુખદ બનેલ છે.
આવા સંજોગોમાં આપશ્રીને વિનંતી છે કે આ પ્રશ્ને સવેળા ગંભીરતાથી વિચારી પશુઆહાર પરનો ટેકસ સત્વરે નાબૂદ કરવા તમામ પશુચાલકો અને માલધારી પરિવાર વતી અમારી માંગણી સાથે લાગણી છે. સરકાર ગૌવંશ અને ગાય ઉછેર માટે ખાસ કાયદા બનાવે છે જ્યારે આવા ટેક્સ નાખવાથી પશુઓને નિભાવ કરવો અશક્ય બનતો હોય તાકીદે યોગ્ય કરવાની રાજુઆતના અંતે રમેશભાઈ રબારીએ માંગણી ઉઠાવી હતી.