સિંચાઇ માટે વિનામૂલ્યે પાણી અને ૧૬ કલાક વિજળી આપવાનું વચન
ખેડૂતોના દેવાંની સંપૂર્ણ પાકના પોષણક્ષમ ભાવ અપાશે. ૧૬ કલાક દિવસે સતત વીજ પુરવઠો, સિંચાઈનું પાણી વિનામૂલ્યે અપાશે. ખેડૂતોને હોર્સ પાવરની મર્યાદામાં બીજી મોટર ચલાવવાની મંજૂરી. ભાગલાના કિસ્સામાં એક જ સરવે નંબરમાં બીજું વીજ કનેકશન. સેટેલાઈટ મેપિંગ રદ કરી તેના સ્થાને જૂની પદ્ધતિ મુજબ નવેસરથી માપણી. ટેકાના ભાવે સરકાર ખરીદી કરી ખેડૂતના મા બાપ બનીને ઊભી રહેશે. જે તે જિલ્લામાં કૃષિ પેદાશને અનુકુળ વેલ્યુ એડિશન માટે કૃષિ ઉદ્યોગ નીતિ બનાવાશે. વીજ ચોરીની કલમ-૧૩૫નો દુરુપયોગ અટકાવી તમામ વીજ ચોરીના કેસ રદ કરાશે. અને ખેડૂતોની સંમતિથી જમીન સંપાદનની કામગીરી કરાશે.
ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોને રોજગારી આપવાના વચન બાદ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા, ૧૬ કલાક સતત દિવસે વીજળી આપવા, કપાસ અને મગફળી સહિતની ખેતપેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ આપવા, સિંચાઈ માટે ખેતર સુધી નહેર દ્વારા વિનામૂલ્યે પાણી અને જમીન રિસરવેની કામગીરી સેટેલાઈટ મેપિંગને બદલે જૂની પદ્ધતિથી નવેસરથી કરવા, વીજચોરીના ખોટા કેસો રદ કરવા સહિતના ડઝનવબંધ વચનો જાહેર કર્યા છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે રાજ્યમાં ૧૬ વર્ષમાં ૭ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નવસર્જન ખેડૂત અધિકાર અભિયાનની જાહેરાત કરતાં કહ્યું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સમયે ખેડૂતોના નામે કોંગ્રેસને બદનામ કરનારા ભાજપના ૨૨ વર્ષના શાસન અને કેન્દ્રમાં ત્રણ વર્ષના શાસનમાં મગફળી, ઘઉં, ડુંગળી, બાજરો અને રૂ સહિતના ઉત્પાદનમાં તોતિંગ ઘટાડો થયો છે. વાઈબ્રન્ટમાં કૃષિ ક્ષેત્રમાં મોટા મૂડીરોકાણના દાવા પોકળ-વાહિયાત પુરવાર થયા છે. ભાજપ સરકાર બહારના રાજ્યોને વીજળી વેચીને નફો કરે છે. કોંગ્રેસ ખેડૂતો પાસે ફોર્મ ભરાવીને રજિસ્ટ્રેશન કરાવી લાભ પહોંચાડશે.
પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલે કપાસ અને મગફળીના ટેકાથી નીચા ભાવ માટે ભાજપની ખેડૂત વિરોધી નીતિ પર આકરાં પ્રહાર કરતા માગ કરી કે, ભાજપ સરકારે બાવીસ વર્ષમાં નહેરની કામગીરી પૂર્ણ કરી હોત તો પાણી વગરની નર્મદા યાત્રા યોજવાની જરૂર પડત નહીં.