રાજકોટ, ભુજ, વડોદરામાં સભા અને રોડ-શો માટે ગોઠવાતો તખ્તો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી રૂપે ઓગસ્ટ મહિનામાં રાજકોટ, ભૂજ અને વડોદરામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા-રોડ-શો યોજવા માટે કોંગ્રેસે આયોજન હાથ ધર્યું છે. અલબત્ત, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરાશે. વિધાનસભાના ઉમેદવારોની પસંદગીમાં AICCએ સ્વતંત્ર રીતે કરાવેલાં સરવે ઉપરાંત પ્રદેશના સહ-પ્રભારીઓ અને લોકસભા-વિધાનસભાના અભિપ્રાય ધ્યાને લેવાશે. જો કે, ઉમેદવારોની પસંદગી પહેલાં આગામી દિવસોમાં વધુ એક વાર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સંગઠનને ચેતનવંતુ બનાવવાની સાથોસાથ ચૂંટણીલક્ષી કાર્યક્રમો, ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય પ્રજાજનોને પડતી હાલાકીના મુદ્દે સરકારને ઘેરવા ધરણાં-વિરોધ પ્રદર્શનો કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા બાદ GSTના અમલને કારણે વેપારીઓમાં ઊઠી રહેલાં વિરોધથી ભાજપ સરકાર સામે કોંગ્રેસને વધુ એક મુદ્દો હાથ લાગ્યો છે. રાજ્યના નાગરિકોમાં ઊઠેલાં વિરોધના સૂરને અંકે કરવા માટે કોંગ્રેસે પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત માટે કમર કસી છે.ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દર મહિને ગુજરાતની મુલાકાતે આવતા રહે તે રીતે સરકારની વિવિધ યોજનાઓના લોકાર્પણ સહિતના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપના પ્રતિકાર સામે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ભાજપની રાજ્ય-કેન્દ્ર સરકારની નબળાઈઓ લોકો સમક્ષ ઉજાગર કરીને મતદારોને કોંગ્રેસ તરફી કરવા ગુજરાતની મુલાકાત ગોઠવાઈ રહી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન મંગળવારે તાલુકા-જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં વિધાનસભાના ઉમેદવારોની પસંદગી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે પરંતુ આ પહેલાં વધુ એક વાર ચાર ઝોનના સહ-પ્રભારીઓ ૧૮૨ વિધાનસભા બેઠકના સ્થાનિક કાર્યકરો-આગેવાનોને મળીને સેન્સ લેશે. દરમિયાન મંગળવારે સાંજે મહાનગરપાલિકાના ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ-કોર્પોરેટર સાથેની બેઠકમાં શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર વધારવા માટેના મુદ્દાઓ-કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ સ્તરેથી આપવામાં આવતા ધરણાં-વિરોધ અને દેખાવ સહિતના કાર્યક્રમોમાં કોર્પોરેટરોની ગેરહાજરીની ગંભીર નોંધ લેવાઈ હતી અને તમામને કાર્યક્રમોમાં અચૂક હાજર રહેવા ચીમકી અપાઈ હતી. અલબત્ત, કેટલાક દાવેદારોએ એવી પણ રજૂઆત કરી હતી કે, ટિકિટ વાંચ્છુઓને શહેરના કાર્યક્રમોમાંથી સાઈડલાઈન કરી દેવામાં આવે છે.
કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી, પ્રમુખ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી તાલુકા-જિલ્લા પ્રમુખોની બેઠકમાં ૧૫ ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લાના સંમેલનો પૂર્ણ કરી લેવાની તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ ૧૦મી જુલાઈએ ખેડૂત ખાતેદારો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયેલી જમીન કામગીરી બંધ કરીને જૂની પદ્ધતિ ચાલુ રાખવા માટે કલેક્ટરોને આવેદનપત્ર આપીને વિરોધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.