ગાંધી જયંતિએ વિશ્વ મહામાનવને શ્રદ્ધા સુમન અર્પણ કરતાં મોરબી જિલ્લા કોંગ્રેસના નિરીક્ષક અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરતાં મોરબી જિલ્લાના કોંગ્રેસના નિરીક્ષક અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે જણાવ્યુ છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કોંગ્રેસના પિતામહ છે અને તેઓ એ દર્શાવેલા આદર્શો અને સિદ્ધાંતોને કોગ્રેસ પાર્ટી કાયમ જાળવી રાખી લોકહિત અને જનહિતના કાર્યો સાથે સમાજના ગરીબ અને પછાત વર્ગના ઉત્કર્ષ માટે સતત કાર્યશીલ રહેશે. પૂજ્ય બાપુએ દર્શાવેલા આદર્શો અને સિદ્ધાંતો કોંગ્રેસ માટે કાયમ પ્રેરણા સ્ત્રોત બની રહેશે તેમ તેઓએ ઉમેર્યું છે.
બ્રિટિશ હકૂમતની ગુલામીમાંથી મુક્ત થવા ૧૮૮૫માં ભારતિય રાષ્ટ્રિય કોંગ્રેસની રચના કરવામાં આવી હતી. આ દરમિયાન ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ સ્વદેશ પરત ફર્યા ત્યારથી દરવર્ષે ૯ જાન્યુઆરી પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીને તેમના રાજનૈતિક ગુરુ ગોપાલક્રુષ્ણ ગોખલેજી એ દેશના વિવિધ પ્રાંતોમાં પ્રવાસ કરી દેશની વાસ્તવિક સ્થિતિનો અભ્યાસ કરવા સૂચન કર્યું.
ગાંધીજી દેશમાં પ્રવાસ કરતાં કરતાં બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોરને મળ્યા.જ્યાં ટાગોરે તેઓને મહાત્માનું બિરુદ આપ્યું અને ગાંધીજી મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા. ગાંધીજી દેશની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા કાયમ રેલ્વેના થર્ડ ક્લાસમાં જ પ્રવાસ કરતાં હતા. મે ૧૯૧૫ માં ગાંધીજીએ અમદાવાદ પાસેના કોચરબમાં આશ્રમ બનાવ્યો હતો પણ પ્લેગની બીમારી ફેલાતા સાબરમતી ક્ષેત્રમાં આશ્રમની સ્થાપના કરી હતી.
ડિસેમ્બર ૧૯૧૫ માં મુંબઈમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ ભાગ લીધો હતો. પરતું અહી તેઓને વિભાજિત ભારતનો અનુભવ થયો. દેશને એક જુથ કરવા અને બ્રિટિશરોનું ગુલામીમાથી મુક્ત કરવા ગાંધીજીએ સત્યાગ્રહનું હથિયાર ઉપાડયું અને બિહારના ચંપારણમાં પ્રથમવાર સત્યાગ્રહ આંદોલનનો આરંભ થયો.
આ આંદોલનમાં ગાધીજી ખેડૂતોના હિતની વાતો મનાવવામાં અંગ્રેજો સામે સફળ રહ્યા.ગુજરાતના ખેડા વિસ્તાર આ સમયે દુષ્કાળથી પીડિત હતો.ત્યારે સરદાર પટેલની સાથે ગાંધીજીએ કર રાહતની માગણી સાથે સત્યાગ્રહનો આરભ કર્યો હતો અને અંગ્રેજોને તેમની માગણી સ્વીકારવી પડી હતી. આ આંદોલનથી ગાધીજી પ્રખ્યાત બન્યા હતા.
૧૯૨૫ થી ૧૯૨૮ સુધી ગાંધીજી એ સમાજ સુધાર માટે કરેલા કામ આજે પણ કોંગ્રેસની ધરોહર બનેલુ છે તેમ જણાવી મનોજ રાઠોડે ઉમેર્યું છે કે ગાંધીજી અને સરદાર પટેલે સૂચવેલા માર્ગો પર કોંગ્રેસ કાયમ કાર્ય કરતી રહી છે. ગાંધીજી અને સરદાર પટેલે દેશવાસીઓને એક સૂત્રએ બાંધવાનું કાર્ય આજે પણ કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ કરી રહ્યું છે. દેશને તોડવાની નહીં પણ જોડવાનું કાર્ય કરીને કોંગ્રેસ કાયમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના આદર્શો પર ચાલી ગાધીજીને કાયમ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.