- ભાજપ દ્વારા 13 કે 14 ફેબ્રુઆરીએ ચારેય બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાશે
ગુજરાતની રાજયસભાની એપ્રીલ માસમાં ખાલી પડનારી ચાર બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. એક પણ બેઠક જીતી શકાય તેટલુ વિધાનસભામાં સભ્ય સંખ્યા બળ ન હોવાના કારણે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સતત બીજી વખત રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય લઈ બંધ બારણે લઈ લેવામાં આવ્યો છે. રાજયસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરિફ ચૂંટાઈ આવે તેવી શકયતા હાલ વર્તાય રહી છે.
ગુજરાતથી રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા અને પુરૂષોતમભાઈ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના બે સાંસદ અમીબેન યાજ્ઞીક તથા નારણભાઈ રાઠવાની મુદત આગામી બીજી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા રાજયસભાની 56 બેઠકો માટે આગામી 27મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજયસભાની ચૂંટણી માટેનું જાહેરનામું આગામી 8મી ફેબ્રુઆરીના રોજ પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે 15મી ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 16મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધી 20મી ફેબ્રુઆરી છે.
રાજયસભાની એક બેઠક જીતવા માટે ઓછામાં ઓછા 38 મતોની આવશ્યકતા રહે છે.કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે જે પૈકી બે ધારાસભ્યોએ તાજેતરમાં રાજીનામા આપી દેતા માત્ર 15 ધારાસભ્યો જ બચ્યા છે. આવામાં એક પણ બેઠક જીતી શકે તેમ નથી. ગત વર્ષ યોજાયેલી ગુજરાતની રાજયસભાની બે બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતાર્યા ન હતા આ વખતે પણ કોંગ્રેસ હાઈકમાન્ડે બંધ બારણે રાજયસભાની આગામી ચૂંટણીમાં ઉમેદવાર મેદાનમાં નહી ઉતારવાનો નિર્ણય લીધો છે. ભાજપના ચારેય ઉમેદવારો બિન હરિફ ચૂંટાઈ આવે તેવી સંભાવના જણાય રહી છે.
ઉમેદવારી ફોર્મ ભરવાનાં અંતિમ દિવસ 15મી ફેબ્રુઆરી હોય ભાજપ દ્વારા 13 કે 14 ફેબ્રૂઆરીનાં રોજ રજયસભાની ચારેય બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે.કેબીનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને પુરૂષોતમભાઈ રૂપાલાને રાજયસભામાં રિપીટ કરવાના બદલે બંને દિગ્ગજ નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે.રાજયસભાના ઉમેદવરો નકકી કરવા આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે.