કુંવરજીભાઈ સહિત ૬ વ્યકિતએ ૧૭ ફોર્મ લીધા: રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના બે સદસ્યોએ પણ ફોર્મ ઉપાડયા: તા.૩ ડીસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે: કુંવરજીભાઇ બાવળીયા ૩૦મીએ ફોર્મ ભરશે
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી ૩૦મીએ ભાજપ પક્ષમાંથી કુંવરજીભાઈ બાવળીયા ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે સામા પક્ષે કોંગ્રેસ આજે સતાવાર રીતે ઉમેદવાર તરીકે જીલલાપંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયાનું નામ જાહેર કરશે તેવું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ જસદણ-વિંછીયા પંથકના કાર્યકરો પ્રદેશ કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જસદણ વિધાનસભા બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેથી જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. જોકે ભાજપ દ્વારા કુંવરજીભાઈ બાવળીયાને કેબીનેટ મંત્રીનું પદ પણ આપવામાં આવ્યું હતુ. ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવા માટે તાજેતરમાં ચૂંટણી પંચે જાહેરાત કરી હતી.
ગત સોમવારે ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે સતાવાર રીતે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતુ અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ હતી.
બે દિવસમાં કુંવરજીભાઈ બાવળીયા સહિતના ૬ ઉમેદવારોએ ૧૭ ફોર્મ ઉપાડયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી ૩ ડિસેમ્બર સુધી ચાલવાની છે. ભાજપ પક્ષનાંક ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા આગામી ૩૦મીએ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવાના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સામે કોંગ્રેસ ઉમેદવાર નકકી કરવામાં પણ અટવાયું હતુ. પરંતુ અંતે પ્રદેશ કોંગ્રેસે ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવસર નાકીયાનું નામ ફાઈનલ કર્યું છે. અને તેઓના નામનીઆજે સતાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનુંઆધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જ્ઞાતિના સમીકરણોના આધારે જસદણ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં અનેક દાવેદાર હતા. જસદણ વિધાનસભા બેઠક પર ૮૦ હજારની સંખ્યા ધરાવતા કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે કોળી સમાજમાંથી જો ઉમેદવાર નકકી કરવાનો થાય તો રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયાનું નામ મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું હતુ. ઉપરાંત કોંગ્રેસ પાટીદાર સમાજને પણ નજર અંદાજ કરી શકે તેવી સ્થિતિમાં ન હતુ. અંતે પ્રદેશ કોંગ્રેસે કોળી સમાજના પ્રભુત્વને ધ્યાનમાં રાખીને જસદણ વિધાનસભાબેઠક માટે કોળી સમાજમાંથી આવતા અવસરભાઈ નાકીયાનું નામ ફાઈનલ કરી દીધુ છે. સાંજ સુધીમાં અવસરભાઈના નામની સતાવાર જાહેરાત પણ થવાની છે.
ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩ ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૪ ડીસેમ્બરે હાથ ધરવામાં આવશે.
બાદમાં ૬ ડિસેમ્બરે બપોરે ૩ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે તા. ૨૦ ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. બાદમાં તા.૨૩ ડીસેમ્બરે મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા ગત સોમવારથી શરૂ થઈ હતી. ગઈકાલ સુધીમાં ૬ વ્યકિતએ ૧૭ ફોર્મ ઉપાડયા હતા જોકે એક પણ ફોર્મ ભરાઈને આવ્યું નથી કુંવરજીભાઈ બાવળીયાએ ૪ ફોર્મ ઉપાડયા હતા જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય વિનુભાઈ ધડૂકે બે ફોર્મ જયારે અવસરભાઈ નાકીયાએ ૪ ફોર્મ ઉપાડયા છે.ગજેન્દ્ર રામાણીએ ૨ ફોર્મ, ધીરજલાલ શીંગાળાએ ૪ ફોર્મ અને રણજીતભાઈ મેણીયાએ એક ફોર્મ ઉપાડયું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતના બે સદસ્યોએ ઉમેદવારી ફોર્મ ઉપાડયા છે.