એક તરફ રાજકીય પક્ષોની સ્ત્રી સશકિતકરણની વાતો અને બીજી તરફ ટિકિટ ફાળવવામાં ઠાગાઠૈયા
સ્ત્રી સશકિતકરણના બણગા ફુંકવામાં અત્યાર સુધી એકપણ રાજકીય પક્ષે પાછીપાની કરી નથી. ભાજપ હોય કે કોંગ્રેસ મહિલા ઉમેદવારોને કોઈ પક્ષ પુરતા પ્રમાણમાં ટીકીટ આપવા આગળ આવતો નથી. મહિલા મતદારોને ખેંચવા માત્ર સ્ત્રી સશકિતકરણના વચનો અપાય છે તેવું ફરી એકવાર ફલિત થયું છે. આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે ૧૮૨માંથી ૨૬ બેઠકો ઉપર મહિલા ઉમેદવારોને ટીકીટ આપવાનું નકકી કર્યું હોય તેવું જાણવા મળે છે. એક તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન મહિલા સશકિતકરણ માટેની કટિબઘ્ધતા વ્યકત કરી આગામી ચુંટણીમાં વધુને વધુ મહિલાઓ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી દર્શાવી છે. ઉપરાંત તેમણે તો કોંગ્રેસ સતા પર આવશે તો મહિલા મુખ્યમંત્રી નિમવાની જાહેરાત પણ કરી દીધી છે ત્યારે બીજી તરફ ૧૮૨માંથી ૨૬ એટલે કે માત્ર ૧૫ ટકા જ મહિલા ઉમેદવારોને ટીકીટ આપવાની ચર્ચાથી તેમના દાવાઓનું સુરસુરીયું થઈ ગયું છે.
તાજેતરમાં જ ન્યાયતંત્રએ મહિલાઓને રાજકારણ સહિતના ક્ષેત્રોમાં આગળ લાવવા હાંકલ કરી હતી ત્યારે આ મુદ્દે રાજકીય પક્ષો તદન નિરાશ જણાઈ રહ્યા છે. કોંગ્રેસના આંતરીક વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગામી ચુંટણીમાં દરેક લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાની ૭ બેઠકમાંથી ૧ બેઠક મહિલા ઉમેદવારોને ફાળવવામાં આવે તેવી શકયતા છે. પ્રથમ દ્રષ્ટિએ આ આંકડો મોટો લાગે પરંતુ તેની ટકાવારી માત્ર ૧૫ ટકાની છે. રાહુલ ગાંધીની ૫૦ ટકા મહિલા અનામતની તરફેણને પગલે મહિલા ઉમેદવારોમાં આ વખતે ટીકીટ મેળવવાની આશાનો સંચાર થયો હતો અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો પરંતુ કોંગ્રેસનું હાઈકમાન્ડ મહિલા ઉમેદવારો ઉપર પુરતો ભરોસો ન કરતું હોવાનું જણાઈ રહ્યું છે. અન્ય પક્ષોની મનોસ્થિતિની પણ આવી જ હાલત છે.
વિધાનસભાની ચુંટણીમાં કેટલા મહિલા ઉમેદવારોને ચુંટણીમાં ટીકીટ ફાળવવામાં આવશે તે અંગે હાલ કોઈ સતાવાર નિર્ણય લેવાયો નથી પરંતુ ઉમેદવારોની પસંદગી કરતી સ્ક્રિનીંગ કમિટી સમક્ષ જીતી શકે તેવી સક્ષમ મહિલાઓને ટીકીટ આપવા અંગે ચર્ચા થઈ ચુકી છે. વાસ્તવિકતા જોઈએ તો અત્યાર સુધીની ચુંટણીમાં કોંગ્રેસને જીતી શકે તેવા ગણ્યા ગાંઠયા મહિલા ઉમેદવારો મળ્યા છે પરંતુ આ વખતે કોંગ્રેસ તરફી વાતાવરણ હોવાની દલીલો કોંગી કાર્યકરો કરી રહ્યા છે.જેના પરિણામે કેટલાક મહિલા ઉમેદવારો જીતી જાય તેવી પણ આશા વ્યકત કરવામાં આવી રહી છે.અલબત કોંગ્રેસ માત્ર ૨૬ બેઠક પર મહિલા ઉમેદવારોને ટીકીટ આપે તેવી શકયતા છે.