યુવા મતદારો ખેંચી લાવવા યુવા નેતાઓના કરિશ્માનો ઉપયોગ કરવા કોંગ્રેસની તૈયારી: કોને ક્યાં ટિકિટ મળશે તે હજુ નથી સ્પષ્ટ
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે ટિકિટ ફાળવવા માટે ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે. અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓની લોકપ્રિયતામાંથી પાઠ ભણીને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં યુવાનોને વધુ ટિકિટ ફાળવવાની તૈયારી કરી છે.
અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ કોંગ્રેસને થોડા અંશે હાશકારો છે. માટે કોંગ્રેસ હવે યુવા વર્ગના યુવા નેતા ઉપર વધુ ધ્યાન આપી રહી છે. તાજેતરમાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી અશોક ગેહલોતે વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ યુવાનોને ટિકિટ ફાળવવામાં આવશે તેવું કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ટિકિટ ફાળવણીમાં યુવા નેતાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. તેઓને ધાર્યા કરતા સારા પરિણામ મળશે. હાલ તો કેટલા ટકા યુવાનોને ટિકિટ ફાળવવામાં આવશે તે કહેવું વહેલુ ગણાશે પરંતુ આગામી અઠવાડિયામાં કોને કયાં ટિકિટ મળશે તે નક્કી થઈ જશે. ગેહલોતના નિવેદન બાદ કોંગ્રેસના યુવા વર્ગને ટિકિટ આપવાની નીતિ સ્પષ્ટ થઈ રહી છે. તાજેતરમાં અલ્પેશ ઠાકોરને પક્ષમાં જોડયા બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ અલ્પેશને ટિકિટ મળે તે સુનિશ્ર્ચિત કરવા પણ કારણો ગોતે છે. માટે ગેહલોતનું આ વિધાન અલ્પેશ તેમજ કોંગ્રેસ સાથે જોડાનાર અન્ય યુવા નેતાને ટિકિટ મળે તેવા સંકેતો આપી રહ્યું છે.
ગેહલોતે યુવા વર્ગની નેતાગીરી મામલે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે યુવાનોને ઈંન્દિરા ગાંધીના સમયથી ખૂબજ મહત્વ આપ્યું છે.
યુવા નેતાઓને મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પીસીસીમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા છે. હાલના સંદર્ભમાં જોઈએ તો રાજયમાં યુવા નેતાઓનો કરિશ્મા વધી રહ્યો છે. અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ઘણા નેતાઓ એવા છે જે યુવા મતદારોને ખેંચી લાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. માટે કોંગ્રેસ આ વખતે યુવાઓને વધુ પ્રાધાન્ય આપે તેવી સ્થિતિ છે.