- ચૂંટણી સમયે ‘ઝબ્બા’ કાઢવા વાળા નહીં કાયમી ખાદી પહેરવાવાળાને કોંગ્રેસ આપશે પ્રાધાન્ય
- ર3 એપ્રિલથી 8 મે સુધી નિરિક્ષકોની ટીમ દરેક જિલ્લામાં થશે: જિલ્લા પ્રમુખ પદ માટે 6-6 નામોની પેનલ બનાવાશે 2027માં ભાજપને હરાવવા નેતાઓને ટાસ્ક અપાશે
- મોડાસાથી સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેકટ ‘સંગઠન સર્જન અભિયાન’ નો આરંભ કરાવતા રાહુલ ગાંધી: 1200 કાર્યકરો સાથે સંવાદ
માત્ર ચુંટણી સમયે ઝબ્બા ધારણ કરી નેતા બની નિકળી પડતા વ્યકિતઓને નહીં પરંતુ કાયમી ખાદી ધારણ કરી સતત લોકોની વચ્ચે રહેનારા વ્યકિતને હવે કોંગ્રેસ દ્વારા પ્રાધાન્ય આપવામાં આવશે. મારો તે સારો નહી પણ સારો તે માટે તે મુજબ કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. અને સંગઠનમાં સ્થાન આપવામાં આવશે. હાલ બારમાસી ઘંઉ ભરવાની સીઝન ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસે પણ હવે ઘંઉ (પક્ષ) માંથી કાંકરા (ભાજપની બી ટીમ સમા નેતાઓ)ને વીણી વીણીને કાઢવાનો નિર્ણય લીધો છે. આગામી 31મી મેં સુધીમાં કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરી દેવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. સંગઠનમાં ઘરમુળથી પરિવર્તન કરવા માટેના પાયલોટ પ્રોજેકટની ગુજરાતથી શરુઆત કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે મોડાસાથી ‘સંગઠન સર્જન અભિયાન’ નો આરંભ કરાવ્યો હતો. સાથે સાથે કોંગ્રેસના 1ર00 થી વધુ કાર્યકરો સાથે સંગઠન લક્ષી ચર્ચા કરી હતી.
માત્ર છ દિવસના ટૂંકા વિરામ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગઇકાલથી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે તેઓએ પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નીરીક્ષકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. એ આઇસીસીના નિરીક્ષકોને જીલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે. આગામી ર3 એપ્રિલથી 8 મેં સુધીના સમય ગાળામાં નીરીક્ષકોની ટીમ અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ ખેડશે. જિલ્લા પ્રમુખની વરણી માટે જે તે જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પક્ષના સંનિષ્ઠ કાર્યકરોના અભિપ્રાય લેવામાં આવશે. સામાજીક અને ભૌગોલિક સ્થિતિને ઘ્યાનમાં રાખી જિલ્લા કે શહેર અઘ્યક્ષના નામો નકકી કરવામાં આવશે. જિલ્લા કે શહેર પ્રમુખ માટે છ–છ દાવેદારોના નામની મજબુત પેનલ બનાવી નિરીક્ષકોએ એઆઇસીસીને મોકલવાની રહેશે. 4પ દિવસમાં સંગઠન માળખાની રચના કરી દેવામાં આવશે. તમામ કાર્યક્રમ નકકી કરી દેવામાં આવ્યા છે. 31 મે સુધીમાં જિલ્લા અને શહેરના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવશે.
મારો તે સારો નહી પરંતુ સારો તે મારો તે મુજબ સંગઠન સરચનાની કામગીરી કરવામાં આવશે. સૌથી સક્ષમ વ્યકિતને જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવશે. એઆઇસીસી નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે. પ્રદેશના નિરીક્ષકો કયાં જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી નકકી કરશે.
- પ્રદેશ સમિતિ દ્વારા છ–છ નામોની પેનલ પર ઉંડાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ જિલ્લા કે શહેર પ્રમુખ નકકી કરવામાં આવશે.
- નિરિક્ષકોએ પણ પોતાને મુંઝવતા પ્રશ્ર્નો અંગે રાહુલ ગાંધી પાસેથી માર્ગદર્શન મેળવ્યુઁ હતું.
નિરિક્ષકો સાથેથી બેઠક પુર્ણ કર્યા બાદ રાહુલ ગાંધીએ અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસની કોડિનેશન કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કે.સી. વેણુ ગોપાલ અને મુકુલ વાસનીક સહીત કોંગ્રેસના પ્રદેશના તમામ મોટા નેતાઓ સામેલ થયા હતા.
રાહુલ ગાંધીએ એવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે આપડે અંદરો અંદર લડવાનું નથી. ભાજપ સામે લડવાનું ગુજરાત વિધાન સભાની 2027 માં યોજાનારી સામાન્ય ચુંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસના નેતાઓને ખાસ ટાસ્ક આપવામાં આવશે. કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ સુચના આપી હતી કે હવે કોંગ્રેસમાં તમામ મોટા નેતાઓનું જવાબદારી ફિકસ કરીને કામગીરી સોંપવામાં આવશે.
યોગ્ય કામગીરી કરનાર નેતાઓને જ પક્ષમાં પ્રમોશન આપવામાં આવશે. યોગ્ય જવાબદારી નહી નિભાવનારા નેતાઓને પક્ષમાં કોઇ હોદાની ફાળવણી કરવામાં આવશે નહી. માત્ર ચુંટણી વખતે જ સક્રિય થતા નેતાઓને કોંગ્રેસ દ્વારા ટિકીટની ફાળવણી કરવામાં આવશે નહી. લોકોની વચ્ચે રહેનારા કાર્યકર કે નેતાને જ ઉમેદવાર જાહેર કરવામાં આવશે આટલું જ નહીં તો 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જિલ્લા પ્રમુખ તરીકે સારી કામગીરી કરનારને સરકારમાં મંત્રી બનાવવામાં આવશે.
દેશભરમાં કોંગ્રેસ દ્વારા સંગઠનમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પાયલોટ પ્રોજેકટ સમા સંગઠન સર્જન અભિયાનનો આજે ગુજરાતના મોડાસાથી રાહુલ ગાંધીએ આરંભ કરાવ્યો હતો. તેઓએ આજે 1ર00 થી વધુ કાર્યકરો સાથે સંગઠન લક્ષી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અત્યાર સુધી કોંગ્રેસમાં સંગઠનને ખુબ જ ઓછું મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ હવે સત્તાની ખુરશી હાંસલ કરવા કોંગ્રેસ સંગઠનને મહત્વ આપી રહી છે. આગામી 31મી મે સુધીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા અને શહેરના પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવશે.