નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ પાઠવતા ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો

કોંગ્રેસ નહીં પણ ભાજપ તુટવાના આરે: કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પ્રહાર, ભાજપના પાંચ ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાનો રેશ્મા પટેલનો ધડાકો

લોકસભાની ચુંટણીને આડે હવે ચાર માસથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે આજે ગુજરાતના રાજકારણમાં નવો જ ગરમાવો આવી ગયો છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લોકસભાની ચુંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ તુટશે તેઓના આ નિવેદનથી રાજયભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેઓએ કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પણ ભાજપમાં જોડાવવાનું આમંત્રણ પાઠવ્યું છે અને એવો ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસમાંથી કોઈપણ નેતા ભાજપમાં આવવા ઈચ્છુક હોય તો અમારા દરવાજા ૨૪ કલાક માટે ખુલ્લા છે.

પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આજે એવું નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના કોઈપણ નેતાઓએ ભાજપમાં આવવું હોય તો અમે તેનું સ્વાગત કરીશું. તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં જુથબંધી હવે ચરમસીમાએ પહોંચી જવા પામી છે. આગામી લોકસભાની ચુંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ તુટી જશે. અલ્પેશ ઠાકોરને પણ ભાજપમાં જોડાવવા માટે તેઓએ આમંત્રણ પાઠવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી રાજયભરના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિતીન પટેલ પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ તુટવાના આરે છે તે વાત ભાજપ હાઈકમાન્ડ સારી રીતે જાણે છે. રાજયના બે મુખ્ય પક્ષો વચ્ચે આજે મચેલી ધમાસાણમાં પાસના પૂર્વ મહિલા અગ્રણી રેશ્મા પટેલે પણ ઝુકાવ્યું છે.તેઓએ જણાવ્યું હતું કે, ભાજપના કેટલાક ધારાસભ્યો કંટાળી ગયા છે અને ભાજપના પાંચ જેટલા ધારાસભ્યો હાલ મારા સંપર્કમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.