ભાજપના શાસકો બહુમતીના જોરે બંધારણ અને ટાઉન પ્લાનીંગ એકટનો ભંગ કરવા હોવાનો પત્રકાર પરિષદમાં ડાંગર, સાગઠિયા અને રાજાણીનો આક્ષેપ
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ગુરુવારે ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં ૧૭ પૈકી ૮ દરખાસ્તો જમીન લ્હાણી માટેની હોય કોંગ્રેસ આ ખાસ બોર્ડનો બહિષ્કાર કરશે તેમ આજે પત્રકાર પરીષદમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા અને દંડક અતુલભાઈ રાજાણીએ જણાવ્યું હતું. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસકો બહુમતીના જોરે બંધારણ અને ટાઉનપ્લાનીંગ એકટનો ભંગ કરી રહ્યા છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસ કામો માટે જરી એવી એક પણ દરખાસ્ત ન હોવા છતાં માત્ર પોતાના મળતીયા બિલ્ડરોને જમીનની લ્હાણી કરવા માટે કોર્પોરેશનના ભાજપના શાસકોએ આગામી ગુરુવારે ખાસ બોર્ડ બેઠક બોલાવી છે. બોર્ડમાં ૧૭ પૈકી ૮ દરખાસ્તો તો માત્ર જમીન લ્હાણીની છે. જો ખાસ બોર્ડ બોલાવવામાં ન આવે તો મહાપાલિકાને એક પણ પિયાનું નુકસાન જતું ન હતું ઉલ્ટાનું ખાસ બોર્ડ બોલાવવાથી કોર્પોરેટરોને માનદ ભથ્થા આપવા પડશે તે નુકસાની જશે.
અશોકભાઈ ડાંગર, વશરામભાઈ સાગઠિયા અને અતુલભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે, મહાપાલિકાના શાસકો ટાઉન પ્લાનીંગ એકટનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. કોઈપણ ટીપી સ્કીમમાં કુલ ક્ષેત્રફળની ૧૦ ટકા જમીન અનુસુચિત જાતિ અને બીજા પછાત વર્ગ માટે અનામત રાખવાની જોગવાઈ છે ત્યારે કોર્પોરેશનના શાસકો ટીપી સ્કીમ નં.૩ (નાનામવા)ના ફાઈનલ પ્લોટ નં.૨૫ કે જે એસઈડબલ્યુએસ હેતુનો માટેનો અનામત છે તેને ગાર્ડન હેતુ માટે હેતુફેર કરવાની દરખાસ્ત અંગે બોર્ડમાં નિર્ણય લેવાનો છે. જેમાં ટીપીની કલમ ૭૦નો સમાવેશ ભંગ થઈ રહ્યો છે. કોઈપણ સરકારી યોજનામાં દુકાન કે ઓફિસ વેચવામાં ૧૦ ટકા અનુસુચિત જાતિ અને જન.જાતિ માટે અનામત રાખવામાં આવે છે પરંતુ મહાપાલિકા દ્વારા અલગ-અલગ આવાસ યોજનાના શોપીંગ સેન્ટરમાં જે દુકાનોનું વેચાણ કરવામાં આવ્યું છે તેમાં અનામત રાખવામાં આવ્યું નથી. તેમાંપણ બંધારણના આર્ટીકલ નંબર ૪૬નો ભંગ થઈ રહ્યો છે.